‘મની હાઇસ્ટ’ની પાંચમી સીઝન બે વૉલ્યુમમાં થશે રિલીઝ

26 May, 2021 11:49 AM IST  |  Mumbai | Nirali Dave

ત્રણ મહિનાના અંતરે બે વૉલ્યુમમાં રિલીઝ કરવાનું કારણ આપ્યું સિરીઝના ડિરેક્ટર ઍલેક્સ પીનાએ

‘મની હાઇસ્ટ’ની કાસ્ટ

મૂળ ‘લા કાસા દે પેપલ નામ’થી સ્પૅનિશ ભાષામાં બનેલી સિરીઝના ૧૫ એપિસોડ્સ સ્પેનની ટીવી-ચૅનલ પર રિલીઝ થયા હતા. એના રાઇટ્સ લઈને નેટફ્લિક્સે ૨૦૧૭ની ૨૦ ડિસેમ્બરે ૧૫ એપિસોડ્સને ૨૨ એપિસોડ્સમાં ઢાળીને ‘મની હાઇસ્ટ’ નામે પહેલો અને બીજો એમ બે ભાગ રિલીઝ કર્યા અને એ પૉપ્યુલર શો બની ગયો. એના પછી ‘મની હાઇસ્ટ’ની બીજી બે સીઝન આવી. હવે લોકો એની પાંચમી સીઝનની રાહ જોઈ રહ્યા છે જે આ વર્ષે ૩ સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં રિલીઝ થશે.

હા, બે રિલીઝ-ડેટ એટલે કે આ વખતે ‘મની હાઇસ્ટ’ની પાંચમી સીઝનનું વૉલ્યુમ-1 ત્રીજી સપ્ટેમ્બરે આવશે અને વૉલ્યુમ-2 ત્રીજી ડિસેમ્બરે રિલીઝ થશે. ‘મની હાઇસ્ટ’ના ક્રીએટર ઍલેક્સ પીનાએ કહ્યું કે ‘અમે પેન્ડેમિક વચ્ચે પાંચમો ભાગ લખી રહ્યા હતા ત્યારે જ અમારા મગજમાં હતું કે સીઝન છેલ્લી છે માટે એનો દરેક એપિસોડ અગ્રેસિવ અને એન્ગેજિંગ બને. છેલ્લી સીઝનના પહેલા વૉલ્યુમમાં પ્રોફેસરની ટુકડીની વૉર દર્શાવવામાં આવશે અને બીજા વૉલ્યુમમાં દરેક કૅરૅક્ટરની ઇમોશનલ સિચુએશન બતાવવી છે.’

ભારત સહિત વિશ્વમાં ‘મની હાઇસ્ટ’ના ચાહકો રાહ જોઈ રહ્યા છે એટલે એને વધુ રોચક બનાવવા મેકર્સે બે ભાગ પાડ્યા છે. વૉલ્યુમ-1ના અંતે બની શકે કે ક્લિફહૅન્ગર મૂકવામાં આવ્યું હોય જેથી ત્રણ મહિના ફરી દર્શકો આવનારા વૉલ્યુમ-2ની રાહ જુએ!

entertainment news Web Series web series nirali dave