30 March, 2023 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયા બચ્ચન
જયા બચ્ચનને હાલમાં જ ટ્રોલ કરવામાં આવ્યાં છે. અમેરિકન સિરીઝ ‘ધ બિગ બૅન્ગ થિયરી’માં માધુરી દીક્ષિત નેને અને ઐશ્વર્યા રાય બચ્ચન પર અપમાનજનક કમેન્ટ કરવામાં આવી હતી. આ સિરીઝ ૨૦૦૭થી ૨૦૧૯ દરમ્યાન ઑન-ઍર કરવામાં આવી હતી અને હવે એ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર દેખાડવામાં આવી રહ્યો છે. એ સિરીઝની બીજી સીઝનના પહેલા એપિસોડમાં ઍક્ટર કુણાલ નૈયર અને જિમ પર્સન્સ માધુરી અને ઐશ્વર્યાને લઈને કમેન્ટ પાસ કરે છે. એમાં જિમ કહે છે કે ઐશ્વર્યા ગરીબ વ્યક્તિની માધુરી છે. તો એને જવાબ આપતાં કુણાલ કહે છે કે ‘ઐશ્વર્યા તો દેવી છે. માધુરી સાથે તેની સરખામણી કરવી એ લેપ્રસ પ્રોસ્ટિટ્યુટ સમાન છે.’
ઑથર અને પૉલિટિકલ ઍનલિસ્ટ મિથુન વિજય કુમારે આવી રીતે મહિલાઓનું અપમાન કરવા બદલ નેટફ્લિક્સને લીગલ નોટિસ મોકલી છે અને એ એપિસોડને હટાવવાની માગણી કરી છે. ૨૦૧૯માં આ સિરીઝ પર પડદો પડી ગયો હતો. આ વાત જયા બચ્ચનનાં ધ્યાનમાં આવતાં તેઓ કુણાલ પર રોષે ભરાયાં છે અને કમેન્ટ કરી હતી. આટલાં વર્ષો બાદ જયા બચ્ચને એને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી એને જોતાં સોશ્યલ મીડિયામાં તેમની નિંદા થઈ રહી છે. લોકોનું કહેવું છે કે ૨૦૦૮માં આવેલા આ શોને લઈને હાલમાં કેમ વાતો કરવામાં આવી રહી છે? આ શો દ્વારા તેઓ પબ્લિસિટી મેળવવા માગે છે એવું કહેવામાં આવી રહ્યું છે.