midday

‘પીપા’ની તૈયારી માટે બૂટ કૅમ્પસમાં સૈનિકો સાથે સમય પસાર કર્યો હતો ઈશાન ખટ્ટરે

07 November, 2023 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૦ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઈશાન સાથે મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૈનિયુલી અને સોની રાઝદાન પણ જોવા મળશે.
ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર

ઈશાન ખટ્ટર ભારત-પાક યુદ્ધ પર આધારિત ફિલ્મ ‘પીપા’માં સૈનિકના રોલમાં દેખાવાનો છે. પોતાના રોલને સારી રીતે સાકાર કરવા માટે ઈશાને આર્મીના જવાનો સાથે સમય પસાર કર્યો હતો. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૦ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં ઈશાન સાથે મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પૈનિયુલી અને સોની રાઝદાન પણ જોવા મળશે. ફિલ્મને રૉની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રૉય કપૂરે પ્રોડ્યુસ કરી છે અને રાજા ક્રિષ્ન મેનને ડિરેક્ટ કરી છે. પોતાના રોલ વિશે ઈશાને કહ્યું કે ‘ફિલ્મ ‘પીપા’માંના મારા કૅરૅક્ટર કૅપ્ટન બલરામ મહેતાએ મને મોહિત કર્યો. ૨૬ વર્ષની ઉંમરે કૅપ્ટન બલરામ મહેતાએ યુદ્ધમાં લડત આપી હતી. સંયોગ અનુસાર મને પણ એ જ ઉંમરે કૅપ્ટન બલરામ મહેતાનું પાત્ર ભજવવાની તક મળી એથી હું સન્માન અનુભવું છું.’

આ પાત્ર માટે કેવા પ્રકારની તૈયારી કરી હતી એ વિશે ઈશાને કહ્યું કે ‘સાત દિવસ હું બે અલગ-અલગ આર્મીની છાવણીમાં રોકાયો હતો. એક હતી રાજસ્થાનમાં અને એક હતી મહારાષ્ટ્રમાં. અમને ટૅન્ક્સ ચલાવતાં શીખવવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં ૪૫ દિવસ અમે શૂટિંગ કર્યું હતું. ત્યાં અમે ગરીબપુરની લડાઈની સીક્વન્સ શૂટ કરી હતી. એના દ્વારા મને તેમના દૃષ્ટિકોણથી યુદ્ધ જોવા મળ્યું હતું. ખાસ વાત એ છે કે ૫૦ વર્ષ પહેલાં એ જ દિવસે એટલે કે ૧૯૭૧ની ૨૦-૨૧ નવેમ્બરે જ્યારે યુદ્ધ છેડાયું હતું. એ જ તારીખે ગયા વર્ષે અમે એ વૉર સીક્વન્સ શૂટ કરી હતી.’

ishaan khattar amazon prime Web Series web series entertainment news