02 March, 2020 02:55 PM IST | Ahmedabad
‘કોકટેલ’ અને અપકમિંગ ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ ફૅમ ડિરેક્ટર હોમી અદજાનિયા હૉટસ્ટાર માટે ‘સાસ બહુ ઔર કોકેઇન’ નામની વેબ-સિરીઝ બનાવવાના છે. હોમીનું કહેવું છે કે તે ઘણા સમયથી મહિલાઓ ડ્રગ-બિઝનેસમાં કામ કરતી હોય એવી કોઈ વાર્તા કહેવા માગતા હતા. ‘સાસ બહુ ઔર કોકેઇન’ એક રમૂજી અને સખત બૉલ્ડ શો હશે.
હોમીએ કહ્યું, ‘હું એવી મહિલાઓની વાર્તા કહેવા માગતો હતો જે પોતાના પરિવારમાં દબાયેલી હોય છે અને તેઓ આ (ડ્રગ) બિઝનેસમાં જ રચીપચી રહે છે. તેમના પતિને પણ ઘરની સ્ત્રીઓ શું કામ કરે છે એની ખબર હોતી નથી, કારણ કે તેઓ પરદેશમાં નોકરી કરતા હોવાથી ફક્ત દિવાળી અને હોળીના તહેવારોમાં જ ઘરે આવે છે. સ્ત્રીઓ આમ નાના પાયે ઍમ્બ્રૉઇડરીનો બિઝનેસ કરે છે, પણ એની પાછળ આખા દક્ષિણ એશિયાનો ડ્રગ-બિઝનેસ સંભાળતી હોય છે.’
આ વેબ-સિરીઝનું બૅકડ્રૉપ કચ્છનું રાખવામાં આવશે. હોમીએ કહ્યું કે આ વેબ-સિરીઝની કાસ્ટ હજી ફાઇનલ કરવાની બાકી છે, પણ હું ઇચ્છું છું કે તબુ, રાધિકા આપ્ટે અને રાધિકા મદાન મારા વિશ-લિસ્ટમાં છે.