16 February, 2023 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાણા પ્રતાપ બનશે ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરી હવે પરાક્રમી મહારાણા પ્રતાપની વીરતાને વેબ-સિરીઝ ‘મહારાણા’ દ્વારા દેખાડવાનો છે. એનું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. એ વેબ-સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે. મહારાણા પ્રતાપ શંકર ભગવાનના ભક્ત હતા. આ શોમાં અશ્વિની ભાવે, સુરેન્દ્ર પાલ, દાનિશ ભટ્ટ, પૃથ્વી હટ્ટે, મહેશ કાળે, સુબોધ ભાઉ, માધવ સી. દેવચકે અને સમીર ધર્માધિકારી પણ લીડ રોલમાં દેખાશે. ત્રીમીતીક પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ અને નીતિન દેસાઈ આ શોને પ્રોડ્યુસ કરશે. પોતાના રોલને લઈને ગુરમીત ચૌધરીએ કહ્યું કે ‘ભારતના ઇતિહાસ પર આધારિત પ્રોજેક્ટ પર કામ કરવું મારા માટે સન્માનની વાત છે. મહારાણા પ્રતાપ તેમની બહાદુરી અને શૌર્યને કારણે જાણીતા હતા. હું અતિશય ખુશ છું કે મને તેમની લાઇફ વિશે નજીકથી જાણવાની તક મળી છે. મહારાણા પ્રતાપ જેવા મહાન યોદ્ધાનું પાત્ર ભજવવું મારા માટે ચૅલેન્જિંગ છે.’
આ પણ વાંચો: શાનદાર રીતે દીકરીનું વેલકમ કર્યું દેબિના અને ગુરમીતે
આ સિરીઝમાં રિદ્ધિમા પંડિત મહારાણી અજબદેના રોલમાં દેખાશે. પોતાના આ રોલ વિશે રિદ્ધિમાએ કહ્યું કે ‘હું ‘મહારાણા’ના વિઝન અને સ્ક્રિપ્ટ સાથે જોડાઈને ખૂબ ખુશ છું. સ્ટ્રૉન્ગ અને બહાદુર એવાં મહારાણી અજબદેનું પાત્ર સાકાર કરવું પડકારજનક છે. આવા પ્રોજેક્ટમાં ઇન્ડસ્ટ્રીના બ્રિલિયન્ટ માઇન્ડ્સ જેવા કે નીતિન દેસાઈ સાથે કામ કરવું એ મારા માટે સપનું પૂરું થવા સમાન છે.’