17 August, 2023 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુલશન દેવૈયા
ગુલશન દેવૈયાએ તેની આગામી વેબ-સિરીઝ ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ના પોતાના રોલ માટે સંજય દત્ત અને મિથુન ચક્રવર્તી પાસેથી પ્રેરણા લીધી હતી. શુક્રવારે આ સિરીઝ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. એમાં રાજકુમાર રાવ, આદર્શ ગૌરવ અને દુલ્કર સલમાન પણ જોવા મળશે. એ સિરીઝને રાજ અને ડીકેએ ડિરેક્ટ કરી છે. પોતાનો રોલ 4 કટ આત્મારામ વિશે ગુલશન દેવૈયાએ કહ્યું કે ‘મારા રોલના હેર માટે ૧૯૯૦ના સંજય દત્તનો રેફરન્સ લીધો હતો. એ શોમાં મેં કેટલીક વસ્તુઓને ઇમ્પ્રોવાઇઝ કરી છે. એ બધું પહેલેથી પ્લાન નહોતું. સાથે જ મિથુન ચક્રવર્તીનાં કપડાંની સ્ટાઇલને પણ મેં અપનાવી છે. તો કેટલાક રેફરન્સ મેં બૉલીવુડની જૂની ફિલ્મોમાંથી લીધા હતા. સાથે જ એમાં એક ચોક્કસ પ્રકારના ચપ્પુનો ઉપયોગ કર્યો છે. એ પચાસ અને સાઠના દાયકાને સમર્પિત છે. શોમાં એનું નામ છે.’
શો વિશે વધુ ઉમેરતાં ગુલશન દેવૈયાએ કહ્યું કે ‘આખો શો ઓવર-ધ-ટૉપ છે. આ એક કાલ્પનિક દુનિયા છે. આ આખો પાગલપંતીથી ભરેલો શો છે કે જેનાં પાત્રોની પોતાની છટા છે.’
લોકોના મળતા પ્રેમથી તે સંતુષ્ટિની લાગણી અનુભવે છે. એ વિશે ગુલશને કહ્યું કે ‘એ અતિશય સંતુષ્ટિ આપે છે અને એ જ વસ્તુ મને જોઈએ છે. લોકો જ્યારે સકારાત્મક રીતે, ઉમળકા અને પ્રેમથી આવકાર આપે ત્યારે એહસાસ થાય છે કે હું સારું કામ કરી રહ્યો છું. એથી એ પ્રેરણાદાયી છે. હું સંતુષ્ટ અને ખુશ છું.’
બાળપણમાં સંજય દત્તની ફિલ્મો જોવાના અનુભવ વિશે ગુલશને કહ્યું કે ‘મેં જ્યારે ‘સાજન’ જોઈ ત્યારે હું બાર વર્ષનો હતો. સંજય દત્તની ‘ખલનાયક’ પહેલી ફિલ્મ હતી જે મેં થિયેટરમાં જોઈ હતી. બાદમાં ‘થાનેદાર’ જોઈ હતી. ખૂબ મજા આવતી હતી.’