03 November, 2022 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીક બબ્બર
પ્રતીક બબ્બરનું કહેવું છે કે તે મહિલાપ્રધાન શોમાં કામ કરે છે એનો તેને ગર્વ અને સન્માન છે. તે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આવતા ‘ફોર મોર શૉટ્સ પ્લીઝ’ની ત્રીજી સીઝનમાં જોવા મળી રહ્યો છે. આ શોમાં કીર્તિ કુલ્હારી, સયાની ગુપ્તા, માનવી ગાગરુ અને બાની જે. લીડ રોલમાં છે. પ્રતીકનું માનવું છે કે મહિલાઓને કેન્દ્રસ્થાને રાખીને સ્ટોરી લખવામાં આવે છે એ સારી વાત છે. એ વિશે પ્રતીકે કહ્યું કે ‘આ ખુશનુમા પરિવર્તન છે. સિનેમા માટે અને ઍક્ટર્સ માટે એ સારો સમય છે. મહિલાઓને સંબંધિત વિષયો કે પછી શો શું કામ ન બનાવવામાં આવે? મહિલાઓ વિશ્વ પર વર્ચસ્વ જમાવે છે. આ સમયની વાત છે અને ગર્વ અને સન્માન લેવા જેવી બાબત છે. અનેક વર્ષોથી આ સુંદર મહિલાઓ સ્ટોરીને પોતાના બળે આગળ ધપાવી રહી છે એ મારા માટે માનની વાત છે.’
ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓ અનેક જવાબદારી સંભાળે છે એ વિશે પ્રતીકે કહ્યું કે ‘મને એવું લાગે છે કે ભવિષ્ય સારા લોકોના હાથમાં છે. અગાઉ પણ હું કહી ચૂક્યો છું એમ કે સેટ પર મોટા ભાગે મહિલાઓ હોય છે. આપણી પાસે ફિલ્મમેકર અને ડિરેક્ટર પણ મહિલા છે. રાઇટર્સ, પ્રોડ્યુસર્સ, કૅમેરા પર્સન, ફોકસ પોલાર, લાઇટ સંભાળનાર પણ મહિલાઓ જ છે. એથી જ અમે સારા લોકોની સાથે છીએ. અમે નસીબદાર છીએ કે સુંદર મહિલાઓ સ્ટોરીને આગળ લઈ જઈ રહી છે. મહિલાઓને વધુ શક્તિ મળે.’