24 June, 2024 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવોલીના ભટ્ટાચાર્જી
‘બિગ બૉસ OTT 3’ હાલમાં જ જિયો સિનેમા પર શરૂ થયું છે. અનિલ કપૂર એને હોસ્ટ કરે છે. આ શોમાં યુટ્યુબર અરમાન મલિક તેની બે વાઇફ પાયલ મલિક અને ક્રિતિકા મલિક સાથે કન્ટેસ્ટન્ટ તરીકે પહોંચ્યો છે. ખાસ વાત તો એ છે કે પાયલ અને ક્રિતિકા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તેમને શોમાં જોઈને ટેલિવિઝન ઍક્ટર દેવોલીના ભટ્ટાચાર્જી ગુસ્સે થઈ છે. અરમાનની સાથે બિગ બૉસનો પણ તેણે ઊધડો લીધો છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દેવોલીનાએ લખ્યું કે ‘શું તમને આ મનોરંજક લાગે છે? ના આ મનોરંજક નથી, બકવાસ છે. એને હળવાશમાં ન લેતા, કારણ કે એ રીલ નથી; રિયલ છે. મને એ સમજમાં નથી આવતું કે આ શરમજનકને મનોરંજક કઈ રીતે કહી શકાય? ૬-૭ દિવસમાં પ્રેમ થયો અને લગ્ન પણ થઈ ગયાં. સાથે જ વાઇફની બેસ્ટ ફ્રેન્ડ સાથે પણ પ્રેમ થયો અને લગ્ન કર્યાં. આવી તો કલ્પના પણ ન કરી શકાય. બિગ બૉસ, તમને શું થઈ ગયું છે? ક્યા ઇતને બુરે દિન ચલ રહે હૈં આપકે કે તમને બહુપત્નીત્વ દેખાડીને એન્ટરટેઇનમેન્ટ મળે છે? આવા સ્પર્ધકોને દેખાડીને તમે શું વિચારો છો? આ શો નાનાં બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો પણ જુએ છે. આવું દેખાડીને નવી પેઢીને કયા માર્ગે દોરવા માગો છો? કે તેઓ પણ ૨-૩-૪ લગ્ન કરે? શું બધા સાથે ખુશીથી રહી શકશે? જે લોકો આ પીડામાંથી દરરોજ પસાર થાય છે તેમને જઈને પૂછો તેમની શું હાલત થાય છે. અરમાન જેવા લોકોને કોણ ફૉલો કરે છે? અને કયા કારણસર ફૉલો કરે છે? એક સમાજ તરીકે આપણે પડતી તરફ જઈ રહ્યા છીએ.’