સિટાડેલ રિવ્યુ: સ્ટાઇલ અને ઍક્શનથી ભરપૂર શો સ્ટોરીમાં ઍવરેજ

29 April, 2023 05:07 PM IST  |  Mumbai | Harsh Desai

‘સિટાડેલ’ના બે એપિસોડ રિલીઝ થયા છે અને એમાં જો જોવા જેવું કંઈ હોય તો એ પ્રિયંકા છે: ડાયલૉગ અને સ્ટોરીની સ્પીડની સાથે ડીટેલ્સ પર હજી ઘણી મહેનત કરવાની જરૂર હતી

ફાઇલ તસવીર

સિરીઝ: સિટાડેલ

કાસ્ટ: પ્રિયંકા ચોપડા જોનસ, રિચર્ડ મૅડન

ક્રીએટર: રુસો બ્રધર્સ, બ્રાયન ઓહ

પ્રિયંકા ચોપડા જોનસ અને રિચર્ડ મૅડનની ‘સિટાડેલ’ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. આ શોને જો રુસો, ઍન્થની રુસો અને બ્રાયન ઓહ દ્વારા બનાવવામાં આવ્યો છે. ઍમેઝૉન પ્રાઇમ વિડિયોનો ઇતિહાસમાં આ શોની ગણતરી સૌથી મોંઘા શોમાં થાય છે. ‘લૉર્ડ ઑફ ધ રિંગ્સ : ધ રિંગ ઑફ પાવર’ની જેમ આ શો પાછળ પણ ખૂબ જ પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે.

સ્ટોરી ટાઇમ

પ્રિયંકાએ આ શોમાં નાદિયા સિંહનું પાત્ર ભજવ્યું છે અને રિચર્ડે મેસન કેનનું પાત્ર ભજવ્યું છે. તેઓ આ શોમાં સ્પાયનું પાત્ર ભજવી રહ્યા છે અને તેમના ઑર્ગેનાઇઝેશનનું નામ સિટાડેલ હોય છે. સિટાડેલ દુનિયાના વિવિધ સ્પાય દ્વારા ભેગા થઈને બનાવવામાં આવ્યું છે. તેમનો મુખ્ય ઉદ્દેશ માનવતાની રક્ષા અને કોઈ પણ વ્યક્તિ ખતરો ઊભો કરવાની કોશિશ કરે એ પહેલાં જ એને એલિમિનેટ કરવાનો હોય છે. સિટાડેલ કોઈ દેશ કે ગવર્નમેન્ટ હેઠળ કામ નથી કરતું. તેમની પોતાની જ એક ફિલોસૉફી છે. મેન્ટીકોર નામનું એક ઑર્ગેનાઇઝેશન સિટાડેલનો ખાતમો બોલાવવા માગતું હોય છે. તેઓ સિટાડેલના તમામ સ્પાયની માહિતી મેળવી તેમને એલિમિનેટ કરે છે. આ દરમ્યાન નાદિયા અને મેસન તેમની યાદશક્તિ ખોઈ બેસે છે. ત્યાર બાદ શો આઠ વર્ષનો જમ્પ લે છે અને મેસન તેની ફૅમિલી સાથે રહેતો હોય છે અને અચાનક તેને સપનાં આવે છે અને તે પોતે કોણ છે એ જાણવા માગતો હોય છે. એ દરમ્યાન તેની મુલાકાત સિટાડેલની બાગડોર સંભાળતા બર્નાર્ડ સાથે થાય છે. તે તેને યાદશક્તિ પાછી લાવવામાં મદદ કરે છે. ત્યાર બાદ એક ડિવાઇસ દ્વારા તે અન્ય સિટાડેલના સભ્યને શોધે છે અને એ દ્વારા તેને આઠ વર્ષ બાદ નાદિયા મળે છે. નાદિયાની યાદશક્તિ ખોવાઈ ગઈ હોય છે અને એને પાછી લાવવામાં રિચર્ડ મદદ કરે છે. જોકે આ જે ડિવાઇસ હોય છે એમાં સિટાડેલના સ્પાયની સાથે દુનિયાના દરેક દેશના ન્યુક્લિયર લોકેશન અને કોડ પણ એમાં હોય છે. જેના હાથમાં એ આવી ગયું એ ખૂબ જ પાવરફુલ બની શકે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

આ શો પહેલાં આઠ એપિસોડનો બનવાનો હતો, પરંતુ એ હવે છ એપિસોડનો જ બન્યો છે. આ શોના બે એપિસોડ રિલીઝ કરવામાં આવ્યા છે અને બાકીના એપિસોડ અઠવાડિયે– અઠવાડિયે રિલીઝ કરવામાં આવશે. દરેક એપિસોડ અંદાજે ૩૦ મિનિટના છે. આ શોનો પ્લસ પૉઇન્ટ એ છે કે એમાં સિટાડેલ કોઈ ચોક્કસ દેશની દેખાડવામાં નથી આવી એથી એને જેટલા દેશ સાથે એક્સપ્લોર કરવા હોય એ કરી શકાય છે અને નવા ઍક્ટરને ઇન્ટ્રોડ્યુસ કરી શકાય છે. આ શોનું ટ્રેલર જ્યારે રિલીઝ કરવામાં આવ્યું હતું એમાં જેટલી માહિતી આપવામાં આવી હતી એના કરતાં શો વધુ ઍન્ગલ પર કામ કરી રહ્યો છે. સિટાડેલનું નામનિશાન ન રહેવા દેવું, સિટાડેલમાં કોણ વ્યક્તિ ફૂટેલો છે તેમ જ નાદિયા અને મેસનની લવ સ્ટોરીની સાથે ભરપૂર ઍક્શન પણ છે. જોકે રાઇટર્સ દ્વારા શોના ડાયલૉગ પર વધુ મહેનત કરવાની જરૂર હતી. શો એટલા ઇન્ટરેસ્ટિંગ નથી લાગતા. તેમ જ થોડા-થોડા સમયે ભાષા બદલાતાં રહેતાં એને અંગ્રેજી સબટાઇટલ સાથે જોવા પડે છે; કારણ કે જર્મન, સ્પૅનિશ અને ઇટાલિયન વગેરે ભાષા સાંભળવા મળે છે. પહેલા બે એપિસોડ પરથી શોનું તારણ કાઢવું મુશ્કેલ છે, કારણ કે એ તેમણે બે સંપૂર્ણ એપિસોડ શોના એક ટોનને સેટ કરવા પાછળ ખર્ચી કાઢ્યા છે. તેમ જ પહેલા એપિસોડમાં તો પ્રિયંકા થોડા સમય બાદ ગાયબ થઈ જાય છે અને એ દરમ્યાન રિચર્ડ પાસે પણ ખાસ કોઈ કામ કઢાવવામાં આવ્યું હોય એવું લાગતું નથી.

સ્ટોરીને ફક્ત આગળ વધારવામાં આવી રહી હોય એવું લાગે છે. આજે દુનિયાભરની કન્ટેન્ટ ઓટીટી પર હોવાથી આગળ શું થવાનું છે એ જાણવું મુશ્કેલ નથી. બે એપિસોડ પ્રિડિક્ટેબલ હતા, પરંતુ એમ છતાં એટલા બોરિંગ નહોતા. રુસો બ્રધર્સ અને બ્રાયને આ શોને વધુ ડીટેલની સાથે અને સ્ટોરી પર વધુ કામ કરવાની જરૂર હતી. ઉદાહરણ તરીકે કેન મેસને કેવી રીતે લગ્ન કર્યાં અને બાળક કોનું છે વગેરે માહિતીની જરૂર હતી. તે ફૅમિલી સાથે રહે છે એ દેખાડી દેવું પૂરતું નહોતું. તેમ જ સિટાડેલના દરેક સ્પાયમાં એક ચિપ મૂકેલી હોય છે. સ્પાય આઉટ ઑફ સર્વિસ થઈ જાય અને એને શોધી ન શકાય એમ હોય ત્યારે એ સ્પાયની યાદશક્તિ ક્લીન કરી નાખે છે. જો યાદશક્તિ ક્લીન કરવા માટે ચિપનો ઉપયોગ થતો હોય તો એને પાછી મેળવવા માટે સિરમનો ઉપયોગ કરવામાં આવે એવું કેવી રીતે શક્ય બને? આથી તેમણે થોડી વધુ ડીટેલ પર કામ કરવાની જરૂર હતી.

પર્ફોર્મન્સ

પ્રિયંકાની ઍક્ટિંગ પર સવાલ કરવો એ ગુનો છે અને એ ‘સાત ખૂન માફ’ હોય તો પણ એમાંથી છુટકારો નથી મળી શકતો. નાદિયાના રોલમાં પ્રિયંકા એકદમ બંધ બેસે છે. ફ્લર્ટ કરવાનું હોય કે ઍક્શન, સ્પાય હોય કે પછી મેમરી લૉસ થઈ ગયેલી સામાન્ય મહિલા; તેની બૉડી લૅન્ગવેજ અને સ્વૅગમાં ગજબનો બદલાવ જોવા મળે છે. રેખા જે રીતે તેની અદા અને અવાજ દ્વારા લોકોને કાયલ કરી દે છે એ જ રીતે પ્રિયંકા પણ અલગ જ લેવલની અદાકારા છે. તે રેડ ડ્રેસ અને સૂટ બન્નેમાં ગજબની ઍક્શન કરતી જોવા મળી રહી છે. તે ઍક્શન હિરોઇન છે અને આગામી ચાર એપિસોડમાં તેની ઘણી ઍક્શન જોવા મળશે એમાં બેમત નથી. રિચર્ડ પાસે મેકર્સ આ બે એપિસોડમાં ખાસ કામ નથી કઢાવી શક્યા. તે ઍક્શન કરી જાણે છે અને તેની પ્રિયંકા સાથેની કેમિસ્ટ્રી પણ સારી છે. જોકે ‘કિંગ ઇન ન નૉર્થ’નો જે નાદ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં સંભળાયો હતો એ ‘સિટાડેલ’માં હજી બાકી છે. આ શોમાં મેન્ટીકોરની બ્રોકર તરીકે લેસલી મેનવીલ જોવા મળી રહી છે. તે કેટલી ખતરનાક છે એ તો હવે આગામી એપિસોડમાં જોવા મળશે, કારણ કે અત્યાર સુધીના બે એપિસોડમાં તેની બે ઝલક જ જોવા મળી છે.

આખરી સલામ

‘ઍવેન્જર્સ – ઇન્ફિનિટી વૉર’ અને ‘ઍવેન્જર્સ - એન્ડગેમ’ બન્ને એપ્રિલના એન્ડમાં રિલીઝ થઈ હતી અને બન્નેને રુસો બ્રધર્સે બનાવી હતી. જોકે આ બન્ને ફિલ્મને રિલીઝ થયાને ઘણાં વર્ષ થયાં છે અને ત્યાર બાદ એ જ અઠવાડિયામાં તેમણે ‘સિટાડેલ’ને રિલીઝ કરી છે. જોકે આ સિરીઝના બે એપિસોડ પરથી લાગે છે કે બાકીના ચાર એપિસોડ પ્રૉમિસિંગ હશે, પરંતુ જો એવું ન થયું તો એના હાલ પણ માર્વલની ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ’ જેવા થઈ શકે છે.

entertainment news web series priyanka chopra