22 February, 2023 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૈયામી ખેર
સૈયામી ખેરે હાલમાં જ એક ઍક્શન દૃશ્યનો વિડિયો શૅર કર્યો હતો, જેને પડતો મૂકવામાં આવ્યો હતો. આ દૃશ્ય તેની ફિલ્મ ‘વાઇલ્ડ ડૉગ’નું છે. આ ફિલ્મમાં કોનન સ્ટીવન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોનન સ્ટીવન્સ એટલે કે ‘ગેમ ઑફ થ્રોન્સ’માં ગ્રેગોર ક્લેગેન એટલે કે ધ માઉન્ટનનું પાત્ર ભજવનાર. આ વિડિયો શૅર કરીને સૈયામીએ કૅપ્શન આપી હતી કે ‘યુનિવર્સ માટેનું આ મારું ઍક્શન ઑડિશન છે. બે વર્ષ પહેલાં મેં ‘વાઇલ્ડ ડૉગ’ ફિલ્મ કરી હતી. વન ઍન્ડ ઓન્લી નાગાર્જુન ગારુ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ મળવાની સાથે મને આ અદ્ભુત ઍક્શન દૃશ્ય કરવાનો પણ ચાન્સ મળ્યો હતો. તમે ‘ગેમ ઑફ થ્રોન્સ’ના ફૅન ન હોઉં તો સાત ફુટ અને ચાર ઇંચના માઉન્ટન - કોનન સ્ટીવન્સને જોઈ લો જેણે ગ્રેગોર ક્લેગેનનું પાત્ર ભજવ્યું હતું.’
આ વિશે વધુ જણાવતાં સૈયામીએ કહ્યું હતું કે ‘જો તમે ‘ગેમ ઑફ થ્રોન્સ’ના ફૅન હો તો તમને શું લાગે છે કે ધ માઉન્ટન સામેની એપિક ફાઇટમાં ધ વાઇપરની જગ્યાએ હું હોત તો શું થયું હોત? દુઃખની વાત એ છે કે આ દૃશ્યનું શૂટ થયા બાદ પૅન્ડેમિક આવી ગયો હતો. આથી કોનન ફરી ઇન્ડિયા નહોતો આવી શક્યો. જોકે મને ખુશી છે કે આ દૃશ્યની મેમરી મારી પાસે છે. આથી હું રાહ જોઈ રહી છું કે હવે મને કોઈ ફુલ-ઑન ઍક્શન ફિલ્મ જલદી ઑફર કરે.’