અજોડ સાડીપ્રેમ ધરાવતાં અપરા મહેતા કહે છે સાડીઓની ગણતરી ન હોય

21 December, 2024 01:52 PM IST  |  Mumbai | Jigisha Jain

સાડીઓની ડિઝાઇન, વણાટકામ અને એના કૉમ્બિનેશનમાં તેમની સૂઝનો જોટો જડે એમ નથી ત્યારે આજે તેમના સાડીપ્રેમના કિસ્સાઓ જાણીએ

અપરા મહેતા

અગણિત સાડીઓનાં ધણી અપરા મહેતા માને છે કે સાડી તો જેટલી ગમે એટલી અને જ્યારે ગમે એટલી લઈ લેવાની હોય. તેમના પર્સનલ કલેક્શનમાં એટએટલી વરાઇટીની સાડીઓ છે કે હવે તો તેમણે સંખ્યા ગણવાનું પણ છોડી દીધું છે. હા, હાથસાળની પ્યૉર સાડીઓ તેમને અતિ ગમે છે. સાડીઓની ડિઝાઇન, વણાટકામ અને એના કૉમ્બિનેશનમાં તેમની સૂઝનો જોટો જડે એમ નથી ત્યારે આજે તેમના સાડીપ્રેમના કિસ્સાઓ જાણીએ

અપરા મહેતાનું નામ પડે અને આંખો સામે એકદમ સુંદર સાડીમાં મોભાદાર વ્યક્તિત્વ નજર સમક્ષ તરવરે. તેમની પર્સનાલિટીનો અંતરંગ ભાગ છે સાડીઓ. નાટકના સ્ટેજ પર હોય કે ટીવીના પડદે કે હવે તો ફિલ્મોના મોટા પડદા પર પણ અપરાબહેન તેમની અલગ જ તરી આવતી સાડીઓમાં જાજરમાન વ્યક્તિત્વ સાથે શોભતાં હોય છે. સાડીઓનો ભરપૂર શોખ ધરાવતાં અપરાબહેનનું કલેક્શન એટલું વિશાળ છે કે તેમણે કદી તેમની સાડીઓની ગણતરી કરી જ નથી. તેમના શબ્દોમાં કહીએ તો એની ગણતરી શું હોય! એ તો ગમે એટલે લઈ લેવાની. છતાં અંદાજે હજારથી પંદરસો સાડીઓનું કલેક્શન હશે એવું તેમને લાગે છે કારણ કે હમણાં એક ઘરથી બીજા ઘરમાં શિફ્ટિંગ થયું તો કંઈક પાંચેક હજાર કપડાં અને બસો જોડી જૂતાં તેમણે શિફ્ટ કર્યાં હતાં જેમાં વધુ નહીં, ૨-૩ મહિના પસાર થઈ ગયેલા. આજે જાણીએ અપરાબહેન પાસેથી તેમના સાડીપ્રેમની કેટલીક અંતરંગ વાતો.

પહેલી સાડી

ચબસાડી પહેરવાની શરૂઆત ક્યાંથી થઈ? આ પ્રશ્નનો જવાબ આપતાં અપરાબહેન કહે છે, ‘મારાં ફઈના દીકરાનાં લગ્ન હતાં. હું ફક્ત ૧૪-૧૫ વર્ષની હતી પણ મારી મમ્મીએ કહ્યું હતું કે આ લગ્નમાં તું દરેક પ્રસંગમાં સાડી પહેરજે. મમ્મીએ જુદી-જુદી સાડીઓ તૈયાર કરી. બૉર્ડરવાળી શિફૉન સાડી, બનારસી, એકદમ સુંદર બાંધણી મારા માટે તૈયાર કરી દીધી. એ લગ્ન મને બરાબર યાદ છે. એના એક-એક પ્રસંગમાં મેં સાડી પહેરી હતી. મજાની વાત એ છે કે આ વર્ષે એ ભાઈ-ભાભીનાં લગ્નને ૫૦ વર્ષ થયાં તો તેમની દીકરીએ ફરીથી તેમનાં લગ્ન કરાવ્યાં અને એ પ્રસંગે મેં એટલાં વર્ષો જૂની એ જ સાડીઓ ફરી પહેરી હતી. એ બધી સાડીઓ મેં સાચવી રાખેલી. તેઓ ખૂબ ઇમોશનલ થઈ ગયાં હતાં જોઈને. એ જ સાડીઓ મેં રિપીટ કરી ત્યારે એમ લાગ્યું હતું કે આટલાં વર્ષોની યાદો ફરી તાજી થઈ ગઈ. લોકો એ માનવા જ તૈયાર થતા નહોતા કે ૫૦ વર્ષ જૂની સાડીઓ મેં સાચવેલી છે.’

મા પાસેથી લીધો શોખ

એ લગ્ન પછી પણ અપરાબહેને ધીમે-ધીમે તેમનું કલેક્શન વધાર્યું. મૂળ તેમનાં મમ્મીને સાડીઓનો ખૂબ શોખ. એ વિશે વાત કરતાં અપરાબહેન કહે છે, ‘મમ્મી હંમેશાંથી હૅન્ડલૂમ સાડીઓની શોખીન. તેને બાંધણી, પટોળાં, બનારસી, કાંજીવરમ, ઇક્કત, ખંડ વગેરે સાડીઓ ખૂબ ગમતી. આ સાડીઓ પહેરતી, એની માવજત કરતી, એની જાતથી પણ વધુ સારી રીતે સંભાળ લેતી તેને મેં જોઈ છે એટલે એ આપોઆપ મારી અંદર આવી ગયેલું. મને પણ સાડીઓનો અદ્ભુત શોખ હતો અને એની કાળજી પણ હું એવી જ લેતી. મારી સાડીઓને હું વારંવાર ધોતી નથી, ડ્રાયક્લીનિંગમાં પણ વધારે વાર ન આપું. ખૂબ સાચવીને પહેરું અને સિલ્કની સાડી હોય તો એને એક કૉટન સાડી સાથે મિક્સ કરીને ગડી વાળું એટલે સિલ્ક ખરાબ ન થાય.’

જુદા-જુદા પ્રકાર

અપરાબહેન પાસે મોટા ભાગે પ્યૉર સિલ્ક, કૉટન સિલ્ક કે એકદમ હાથવણાટવાળી સાડીઓનું મોટું કલેક્શન મળે; જે તે મોટા ભાગે સીધા વણકરો પાસેથી જ ખરીદે એટલે એકદમ ઑથેન્ટિક વસ્તુ મળી શકે. પોતાના કલેક્શન વિશે વાત કરતાં અપરાબહેન કહે છે, ‘મારી પાસે ૧૧ જુદાં-જુદાં પટોળાં છે, ૭ પૈઠણી છે અને ૨૪ બાંધણી છે. પૈઠણીમાં જો હું ગ્રીન બૉર્ડરવાળી સાડી જોઉં તો તરત જ ખરીદી લઉં, કારણ કે સફેદ અને મરૂન બૉર્ડર તો ખૂબ મળે પણ ગ્રીન બૉર્ડર મળતી નથી. બાંધણીમાં પણ મારી પાસે ઘણી વરાઇટી છે. ગુજરાતની બાંધણી જુદી અને રાજસ્થાનની બાંધણી જુદી. એ ફર્ક એવો છે કે એમાં અમુક જ લોકોને સમજ પડે. બાકીની બનારસી સાડીઓ જુદી. મને પુણેરી સાડીઓ પણ ખૂબ ગમે. ખંડની સાડીઓ, ઇક્કતની સાડીઓ અને પોચમપલ્લી સાડીઓ પણ મને ખૂબ ગમે. કલકત્તી સાડીઓ પણ ખૂબ છે મારી પાસે. મદુરાઈ સિલ્કની સાડીઓ પણ મારી પાસે છે. વળી એ બધી સાડીઓ સાથે હું બ્લાઉઝ ઘણાં અતરંગી અને જુદા જ પહેરું. મિસ-મૅચ હવે લોકો પહેરતા થયા છે. મેં તો એ જ સાડીનું બ્લાઉઝ ભાગ્યે જ પહેર્યું હોય એટલું જ નહીં, હાથસાળનાજુદા-જુદા પ્રકારો હું મિક્સ કરું. જેમ કે કાપડાનું બ્લાઉઝ હોય તો એની સાથે શિફૉન સાડી પહેરું. ખંડના બ્લાઉઝ સાથે બાંધણી પહેરું. એવું મને વધુ ગમે.’

ફૅશનેબલ નહીં, ટ્રેડિશનલ

અપરાબહેન ફૅશનેબલ સાડીઓ ખરીદતાં નથી. તેઓ કહે છે, ‘ઑર્ગેન્ઝા ને હાફ-હાફ સાડીઓ કે બીજા કોઈ પણ પ્રકારના નવા ટ્રેન્ડની સાડીઓ પાછળ ખોટા ખર્ચા હું કરતી નથી. આ સાડીઓની ફૅશન આવે અને જતી રહે. મને એવાં કપડાં ન ગમે જે ફૅશનના ટ્રેન્ડ પ્રમાણે હોય. મને એકદમ યુનિક કપડાં પહેરવાં હોય છતાં એવાં કપડાં પહેરવાં ગમે જે એવરગ્રીન હોય, જે ક્યારેય ફૅશનમાંથી જાય જ નહીં. એટલે જ ટ્રેડિશનલ સાડીઓ મને વધુ ગમે. જે આપણી પરંપરાઓ સાથે જોડાયેલું છે એ બધું જ વધુ ગમે છે. ખુદની બનાવેલી વસ્તુઓની કદર હોવી જોઈએ માણસોને. વળી કઈ જગ્યાએ કયાં કપડાં પહેરવાં એ પણ નક્કી જ હોય. કોઈ દસ હજારની કૉટનની સાડી હોય તો એવી જગ્યાએ જ પહેરવાની જ્યાં લોકોને એની કિંમત સમજાય.’

સ્ક્રીન પર મારી સાડીઓ

મોટા ભાગના આર્ટિસ્ટ પોતાનાં કપડાં શૂટમાં વાપરતાં ન હોય કારણ કે તેમને લાગે કે અમારાં કપડાં અમે અહીં શું કામ વેસ્ટ કરીએ. પ્રોડક્શન જ એનો ખર્ચો કરે એવો દુરાગ્રહ ઘણાનો હોય. પરંતુ અપરાબહેને તેમના ઘણા શોઝ અને ફિલ્મોમાં પોતાની જ સાડીઓ પહેરી છે. આવું કેમ? એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મને એવું ક્યારેય ન થાય કે હું મારાં કપડાં ન વાપરું. ઊલટું અલગ-અલગ શો, નાટકો અને ફિલ્મમાં પણ હું તેમને સજેસ્ટ કરું કે આવી સાડીઓ રાખો, આ કૅરૅક્ટર માટે આ પ્રકારનો લુક બરાબર છે. મારી સાડીઓમાં હું તૈયાર થઈને તેમને લુક મોકલું એટલે એ અપ્રૂવ થાય જ. મારી ગાડીની ડિકીમાં એક-બે સાડી મળી જ આવે. સેટ ઉપર કૉસ્ચ્યુમમાં કંઈ પ્રૉબ્લેમ થાય તો તરત જ ગાડીમાંથી સાડી મગાવું.’

મારો જીવ ચાલે

કોઈ તમારી પાસે તમારી સાડીઓ માગે તો તમે તેને પહેરવા આપો ખરાં? એનો જવાબ આપતાં અપરાબહેન કહે છે, ‘કંઈ પણ! એમ થોડી હું મારી સાડી કોઈને આપી શકું? મારો જીવ ન ચાલે. કોઈ નીચી સાડી પહેરે અને એને ખરાબ કરી નાખે, એની કદર જેવી મને હોય એવી બીજાને ન હોય એટલે એવી કાળજી તે રાખે નહીં. મને એવું નહીં ગમે એટલે એમ ઝટ દઈને મારી સાડીઓ મેં હજી સુધી કોઈને પહેરવા આપી નથી.’

સાડીના કિસ્સાઓ

- જુદી-જુદી સિરિયલો અને એની સાથેના સાડીના કિસ્સાઓ સંભળાવતાં અપરાબહેન કહે છે, ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’માં એકતાનાં માસી સ્ટાઇલિસ્ટ હતાં. તેમણે મને લખનવી સાડીઓ પહેરવા કહ્યું. મેં તેમને સમજાવ્યાં કે લખનવી સાડી સામસામે ઘણી સુંદર લાગે, સ્ક્રીન પર એ સારી નહીં લાગે. પાછળથી તેમણે પણ એ વાત માની અને લુક બદલ્યો.

- આતિશ કાપડિયા સાથે પહેલો શો હતો એમાં સાઉથ બૉમ્બે ટાઇપ ગુજરાતી ફીમેલનો લુક હતો જેમાં બાંધણી પર ખંડના બ્લાઉઝવાળો લુક જ્યારે મેં બતાવ્યો ત્યારે આતિશે કહ્યું કે તમે લુક નક્કી કર્યો છે એટલે ફાઇનલ જ હોય.

- ‘જમાઈરાજા’માં એક સ્ટાઇલિસ્ટ એકદમ નવો અને તેને બિચારાને કશી ખબર પડતી નહોતી. નેટની એક ઝગારા મારતી સાડી તેણે મને આપી. મેં તેને સમજાવ્યો કે મારું પાત્ર આવું નથી, તે આ પ્રકારની સાડી ન પહેરે.

- હમણાં ‘અનુપમા’માં પણ જે કૅરૅક્ટર બે જ મહિના માટે આવેલું એ ૯ મહિના સુધી ચાલ્યું. મેં તેમને કહેલું કે પ્લેન કલર્સ પહેરીએ સાડીમાં. તેના પ્રોડ્યુસરે મને કહ્યું કે કોઈ પ્રૉબ્લેમ નથી, તમે નક્કી કરશો એ યોગ્ય જ હશે.

- સેટ પર હું બધાને સૂચનાઓ આપતી હોઉં છું કે આ સાડીઓ ધોવામાં ન નાખતા. આને આમ ન રખાય, આને આમ સચવાય જેવું કેટલુંય હું એ લોકોને કહેતી રહેતી હોઉં.’

columnists fashion news fashion life and style gujarati mid-day Apara Mehta television news indian television entertainment news