09 July, 2020 02:23 PM IST | Rajkot | Rashmin Shah
પરિધિ શર્મા
સોની ટીવીની સુપરહિટ સિીરિયલ ‘પટિયાલા બેબ્સ’ની લીડ સ્ટાર રહી ચૂકેલી અને અત્યારે સ્ટાર ભારતની ‘જગતજનની મા વૈષ્ણોદેવી’માં મા વૈષ્ણોદેવીનું લીડ કૅરૅક્ટર કરતી પરિધિ શર્મા શૂટિંગ પર પોતાનું ટિફિન ઘરેથી જ લઈ આવે છે અને પાણી સુધ્ધાં તે ઘરેથી લઈ આવે છે એટલું જ નહીં, પરિધિ પાસે મેકઅપ આર્ટિસ્ટ હોવા છતાં પણ તે પોતાનો મેકઅપ જાતે જ કરે છે અને મેકઅપ-રૂમનું ક્લીનિંગ પણ તે પોતાના હાથે કરે છે. પરિધિ આ બધું કોવિડ-19થી બચવા માટે કરે છે.
પરિધિ શર્મા કહે છે, ‘મારી હેલ્થની પહેલી જવાબદારી મારી છે. હું બીજા પર કશું ઢોળી ન શકું અને મારે ઢોળવું નથી એટલે સેટના મારાં એકેક કામ હું મારા હાથે કરું છું. એનાથી થાકી જવાય છે, પણ મારે મારી કાળજી રાખવી છે એટલે બધાં કામ કરવામાં મને કોઈ વાંધો નથી.’
આ અગાઉ વૈષ્ણોદેવીનું કૅરૅક્ટર પૂજા બૅનરજી કરતી હતી પણ પૂજાએ શો છોડતાં હવે તેની જગ્યાએ પરિધિ આવી છે. પરિધિએ શો જૉઇન કર્યો ત્યારે તેણે લીધેલી હાઇએસ્ટ ફીના ન્યુઝે સૌકોઈની આંખોમાં અચરજ આંજી દીધું હતું અને એમ છતાં પરિધિ અત્યારે એકેક કામ પોતાના હાથે કરે છે. શોનાં કૉસ્ચ્યુમ પણ તે જાતે ઇસ્ત્રી કરે છે અને કૉસ્ચ્યુમ ધોવા માટે પણ તે પોતાના ઘરે લઈ જાય છે. પરિધિ કહે છે, ‘કોરોના માટે જાગૃત રહેવું એ વ્યક્તિગત જવાબદારી છે અને હું એ જવાબદારી જ નિભાવું છું.’
‘જગતજનની મા વૈષ્ણોદેવી’ના નવા એપિસોડ સોમવારથી રાતે સાડાનવ વાગ્યે ઑનઍર થશે.