07 April, 2022 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમર અને રશ્મિ
રશ્મિ દેસાઈએ મુંબઈ પોલીસને ઉમર રિયાઝના ફૅન્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ‘બિગ બૉસ 15’ના હાઉસમાં રશ્મિ અને ઉમર વચ્ચે સ્પેશ્યલ કનેક્શન બની ગયું હતું. બન્નેના રિલેશનને લઈને હાલમાં પૂછવામાં આવતાં રશ્મિએ કહ્યું કે ‘ઉમરના જીવનમાં કદાચ કોઈ હોઈ શકે છે, કારણ કે તે ખૂબ પ્રાઇવેટ પર્સન છે. અમે બન્ને એકબીજાની સીમાઓને માન આપીએ છીએ. હું સમજું છું કે લોકોને અમને બન્નેને સાથે જોવાં ગમે છે. એનો હું રિસ્પેક્ટ કરુ છું. અમે માત્ર ફ્રેન્ડ્સ છીએ. અમારી વચ્ચે જે પ્રકારનો બૉન્ડ છે એમાં અમે સતત ઝઘડા કરીએ છીએ, કેટલીક બાબતોમાં સહમત નથી હોતા. અમે ભલે ઝઘડીએ પણ અમારી વચ્ચે ફ્રેન્ડશિપ તો હંમેશાં રહેશે જ.’
રશ્મિનું આવું નિવેદન ઉમરના ફૅન્સને પસંદ નથી આવ્યું. એ બધા મળીને રશ્મિનો ઉધડો લઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ઉમરની પર્સનલ લાઇફ વિશે કમેન્ટ કરનારી એ કોણ છે. તો ફૅન્સ એવું પણ કહી રહ્યા છે કે રશ્મિ પોતાની કરીઅર જમાવવા માટે ઉમરનો ઉપયોગ કરી રહી છે. સાથે જ તેના પરિવારને પણ વચમાં ઘસડવામાં આવ્યો હતો. તમામ ટ્રોલ્સને જવાબ આપતાં ટ્વિટર પર રશ્મિએ ટ્વીટ કર્યું હતું, ‘મારા ફૅમિલી ફ્રેન્ડ વિશે હું વાત કરું તો એને મુદ્દો બનાવવામાં આવે છે અને લોકો મારા ભાઈ વિશે ગમે તે બોલે છે. આ બાબત જરાપણ સાંખી લેવામાં નહીં આવે. આ બધો શું બકવાસ છે? સૌને પોતાની હદમાં રહેતાં આવડવું જોઈએ. મારી ફૅમિલીને આમાં ન લાવો. મહારાષ્ટ્ર સાઇબર સેલ અને મુંબઈ પોલીસને હું વિનંતી કરું છું કે આ મામલામાં ધ્યાન દોરો, કારણ કે તેઓ મારી અને મારા પરિવારની છબી ખરડાવી રહ્યા છે. આ તેના પ્રશંસકો છે કે પછી મને જાણી જોઈને પરેશાન કરવામાં આવી રહી છે? મારા પરિવારને આમાં વચ્ચે લાવવામાં આવે છે અને આ પજવણી છે.’