27 January, 2023 03:11 PM IST | Mumbai | Karan Negandhi
ફાઇલ તસવીર
છેલ્લાં ૧૫ વર્ષોથી દર્શકોનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એક જૂનું પાત્ર તાજેતરમાં પાછું ફર્યું છે. નવા વર્ષે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. શૉમાં બાવરીના પાત્રનું પુનરાગમન થઈ ગયું છે. મોનિકા ભદોરિયાએ સિરિયલ છોડ્યા બાદ મેકર્સે નવીના વાડેકર (Navina Wadekar)ને આ બાવરીના પાત્ર માટે પસંદ કરી છે. શૉમાં નવીના વાડેકરની એન્ટ્રી બાદ રીલ લાઈફ કપલ બઘા-બાવરીએ તારક મહેતાના સેટ પર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી, જેમાં તેમણે પોતાના પાત્રો વિશે મન મૂકીને વાત કરી હતી.
નવીના વાડેકરે પહેલાં દિવસે શૂટિંગ કરવાથી લઈને તન્મય વેકરિયા (બઘા) સાથે કામ કરવાનો અનુભવ પણ શૅર કર્યો. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જ્યારે પૂછ્યું કે તમને બાવરીના પાત્રમાં શું ગમે છે? ત્યારે નવીનાએ જવાબમાં કહ્યું કે “બાવરીમાં જે નિર્દોષતા છે એ મને ખૂબ ગમે છે. આજકાલ લોકો કંઈ પણ બોલતા પહેલાં બે વાર વિચાર કરે છે, જ્યારે પોતાના મનમાં જે છે તે બેઝિઝક કહી દે છે. તે હંમેશા ઉત્સુક હોય છે અને બાઘેશ્વરને જોઈને એકદમ ખુશ થઈ જાય છે. તેની નિખાલસતા, આ બધુ મને બહુ ગમે છે.”
બાઘાને બાવરીની કંઈ વાત ગમે છે?
અમે આ જ સવાલ જ્યારે તન્મય વેકરિયા (Tanmay Vekaria)ને કર્યો તો તેમણે કહ્યું કે “પાત્ર તરીકે બાવરીની એવી કોઈ જ વસ્તુ નથી જે બાઘાને નથી ગમતી. બઘાને બાવરી મળી એટલે સમજો કે તેને ભગવાન મળ્યા, તેની દુનિયા જ બાવરીમાં સમાયેલી છે. બાવરી કામના સમયે દુકાનમાં આવી જાય તો પણ બાઘેશ્વર વિવેકપૂર્વક તેને ત્યાંથી જવાનું કહે છે. બાધાને બાવરી માટે અપાર પ્રેમ છે અને તે પ્રેમને કારણે જ તે તેને વધી પણ શકતો નથી. સાથે જ તેને બાવરીમાં કોઈ ખામી દેખાતી જ નથી.”
નવીના સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં તન્મય કહે છે કે “મારી દ્રષ્ટિએ એક્ટર એવો હોવો જોઈએ કે તેને કંઈક કરવાની ઝંખના હોય. એ ઝંખના હોય એટલે એક્ટર સારું કામ કરી શકે અને નવીનામાં આ એક સરસ ગુણ છે. તે હંમેશા કંઈક કરવાની ભાવના સાથે લઈને કામ કરે છે. જ્યારે તે સેટ પર પહેલીવાર આવી ત્યારે પણ લાગ્યું જ ન હતું કે તે નવી છે. પહેલો એપિસોડ ટેલિકાસ્ટ થયો ત્યારથી જ લોકોના મને મેસેજ આવ્યા છે કે નવીના બાવરીના પાત્રમાં પરફેક્ટ લાગે છે.”
અહીં જુઓ તન્મય વેકરિયા અને નવીના વાડેકરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલો ઇન્ટરવ્યૂ
ઉલ્લેખનીય છે કે છેલ્લાં એક વર્ષમાં શૉમાં ઘણા મોટા બદલાવ જોવા મળ્યા છે. ગયા વર્ષે સૈલેશ લોઢાએ શૉ છોડ્યો ત્યાર બાદ મેકર્સ સચિન શ્રોફને જેઠાલાલના પરમમિત્રના રોલમાં લાવ્યા હતા. તો બીજી તરફ શૉના ડિરેક્ટર માલવ રાજદા અને ટપ્પુનું પાત્ર ભજવતા રાજ અનડકટે પણ શૉને અલવિદા કહ્યું છે. જોકે, આ તમામ મુશ્કેલીઓ છતાં શૉને દર્શકો પ્રેમ સતત મળી રહ્યો છે.