TMKOC: શૈલેષ લોઢાએ શૉના મેકર્સ વિરુદ્ધ કરી ફરિયાદ, લગાવ્યો આ આરોપ

20 April, 2023 07:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૈલેષ લોઢાએ TMKOCમાં 14 વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. ગયા વર્ષે એપ્રિલમાં અસિત મોદી સાથેના વિવાદ બાદ તેમણે શૉ છોડી દીધો હતો

ફાઇલ તસવીર

શૈલેષ લોઢા (Shailesh Lodha) વર્ષોથી `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC) સાથે જોડાયેલા હતા. થોડા સમય પહેલાં જ તેમણે અચાનક આ શૉને અલવિદા કહી દીધું હતું. શૉના પ્રોડ્યુસર અસિત મોદી (Asit Kumarr Modi) અને શૈલેષ લોઢા વચ્ચેના વાદ-વિવાદના સમાચારો પણ સામે આવતા રહે છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે શૈલેષ લોઢાએ અસિત કુમાર મોદીની પ્રોડક્શન કંપની સામે કેસ દાખલ કર્યો છે.

શૈલેષ લોઢાએ TMKOCમાં 14 વર્ષ સુધી તારક મહેતાનું પાત્ર ભજવ્યું હતું. ગયા વર્ષે એપ્રિલમાં અસિત મોદી સાથેના વિવાદ બાદ તેમણે શૉ છોડી દીધો હતો. કેટલાક મીડિયા અહેવાલો સૂચવે છે કે શૈલેષનું એક વર્ષથી વધુ સમયનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. શૉના મેકર્સ તરફથી આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જોકે, હવે શૈલેષ લોઢાએ અસિત મોદીની પ્રોડક્શન કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

શૈલેષે અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કરી

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, શૈલેષ લોઢાએ અસિત મોદી વિરુદ્ધ તેમના પેમેન્ટમાં વિલંબની ફરિયાદ નોંધાવી છે અને પ્રોડક્શન કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. શૈલેષ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)નો દરવાજો ખખડાવ્યો છે અને કલમ 9 હેઠળ કૉર્પોરેટ નાદારીનો કેસ કર્યો છે, કારણ કે અસિત મોદીની કંપની તરફથી હજુ સુધી તેમનું પેમેન્ટ ક્લિયર કરવામાં આવ્યું નથી. આ મામલે મે મહિનામાં સુનાવણી થશે. આ અંગે શૈલેષે કહ્યું હતું કે, “આ મામલો વિચારણા હેઠળ છે અને કોર્ટમાં છે, તેથી હું અત્યારે તેના પર ટિપ્પણી કરીશ નહીં.”

આ પણ વાંચો: ‘ખતરોં કે ખિલાડી 13’ને મળી ગયો તેમનો પહેલો સ્પર્ધક

શૉના પ્રોજેક્ટ હેડે પ્રતિક્રિયા આપી

આસિત મોદીએ આના પર પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ શૉના પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણીએ જણાવ્યું હતું કે, “અમે તેમને મેઇલ અને કોલ દ્વારા તમામ પેપરવર્ક કરવા અને તેમનું બાકીનું પેમેન્ટ લેવા વિનંતી કરી હતી. અમે તેમને ક્યારેય પેમેન્ટ આપવાની ના પાડી નથી. દરેક કંપનીમાં નોકરી છોડ્યા બાદ પેપરવર્ક કરવામાં આવે છે. આમાં શું વાંધો છે? અહીં-તહીં ફરિયાદ કરવાને બદલે સાદી પ્રક્રિયાનું પાલન કર્યું હોત તો સારું ન થાત? અમે કોઈ મુદ્દાને આગળ વધારવા માગતા નથી. કારણ કે અમે તેમને પેમેન્ટ આપવાની ના પાડી નથી. અમે તેમને પ્રક્રિયા પૂરી કરી અને પેમેન્ટ લેવાની જાણ કરી છે.”

entertainment news television news taarak mehta ka ooltah chashmah