09 June, 2023 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટપુ સેના. ફાઇલ તસવીર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં રોશન ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રી દરરોજ શોની પ્રોડક્શન ટીમ વિરુદ્ધ નિવેદનો આપી રહી છે. હવે તેણે એક નવા ઇન્ટરવ્યૂમાં શોમાં કામ કરતા બાળ કલાકારો વિશે ચોંકાવનારી વાત રજૂ કરી છે.
"મેં શોમાં કેટલાક બાળ કલાકારોને સાંજે શૂટિંગ કરતા અને સવારે પરીક્ષા માટે જતા જોયા છે. કેટલીકવાર શૂટિંગ સવારે ૬ વાગ્યા સુધી ચાલ્યું હતું. બાળ કલાકારો સાંજે ૬ વાગ્યા સુધીમાં શૂટિંગ પૂરું કરતા અને સાંજે ૭ વાગ્યે સીધા જ શાળાએ પહોંચતા. જેનિફરે બૉલીવુડ બબલ સાથે વાત કરતાં જણાવ્યું કે, "શોમાં કામ કરતા બાળકો સેટ પર અભ્યાસ કરે છે. તેઓ આખી રાત શૂટિંગ કરતા હોય છે અને સવારે શાળાએ જાય છે. તેઓએ ઘણું બલિદાન આપ્યું છે. કદાચ તેઓ તેમની સાથે જે થઈ રહ્યું છે તેનાથી ખુશ છે.
આ શોમાં ઘણાં બાળકો કામ કરે છે. તેઓ શોમાં ટપુ સેના તરીકે ઓળખાય છે. ટપુ આર્મીમાં ટપુ (ભવ્ય ગાંધી) (હાલ શોમાં નથી) પ્રથમ ક્રમે આવે છે, ત્યારબાદ પિંકુ (ઝીલ મહેતા), ગોગી (સમય શાહ), ગોલી (કુશ શાહ) અને પીકુ (અઝહર શેખ)નો ક્રમાંક આવે છે.
જેનિફરે આ ઇન્ટરવ્યૂમાં દિવંગત અભિનેતા ઘનશ્યામ નાયક (નટુ કાકા) વિશે પણ વાત કરી હતી. "તે (ઘનશ્યામ નાયક) સેટ પર બેસીને રડતા હતા. અસિત મોદીનું તેમની સાથેનું વર્તન યોગ્ય હતું, પરંતુ શોના પ્રોડક્શન હેડ સુહેલ રામાણી તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હતા.જેનિફરે ઉમેર્યું હતું કે, શોના સેટ પર શ્વાસ લેવો પણ તેમના માટે મુશ્કેલ હતો. તેમને દરેક બાબતે સવાલ કરવામાં આવ્યા હતા. આવ્યાથી લઈને જવા સુધી હિસાબ લેવામાં આવ્યા હતા. માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેનિફરના કહેવા પ્રમાણે સુહેલ તેની સાથે અસભ્યતાથી વાત કરતો હતો. જેનિફરના નાના ભાઈનું અવસાન થયું ત્યારે સુહેલ શોક દર્શાવવાને બદલે તેમના પર બૂમ બરાડા કરતો હતો.
આ પણ વાંચો: TMKOC વિવાદ વચ્ચે દિલીપ જોષીએ કરી આ ફિલ્મની પોસ્ટ, શું જેઠાલાલ ફિલ્મમાં દેખાશે?
જેનિફરે વિશેષમાં ઉમેર્યું હતું કે, "મારો ભાઈ વેન્ટિલેટર પર હતો. તેમ છતાં તેઓ મને સેટ પર બોલાવતા હતા. તે દરમિયાન તેઓએ મને રજા પણ આપી ન હતી. ભાઈની સારવાર માટે તેને રોજના 15 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો. મારી પાસે પૈસા પૂરાં થઈ ગયા. એક દિવસ મને આસિત મોદીનો ફોન આવ્યો. તેઓએ મને મુંબઈ બોલાવી. હું 10 દિવસ પછી મુંબઈ ગઈ હતી.
તેમણે મારી સાથે વાત કરી, તેમને ખબર પડી કે હું સાત દિવસથી ગેરહાજર હતી તો તેઓએ સાત દિવસ સુધી મારા પૈસા કાપ્યા નહીં. મેં રડતાં રડતાં તેના ચરણસ્પર્શ કર્યા. જોકે ત્યારબાદ સુહેલે મને વારંવાર સાંભળાવ્યું હતું કે તારો ભાઈ ગુજરી ગયો ત્યારે અમે તને પૈસા આપ્યા હતા. ત્યારે મને ખૂબ જ ખરાબ લાગતું.