25 September, 2023 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
અભિનેતા શૈલેષ લોઢા (Shailesh Lodha)એ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC) શૉ છોડ્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. શૈલેષ શૉમાં હંમેશા દર્શકોનો ફેવરિટ હતા, તેથી જ્યારે તેમણે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` શૉ છોડ્યો, ત્યારે સૌ કોઈ તેનું કારણ જાણવા માગતા હતા. હાલમાં જ શૈલેષે પોતે શૉ છોડવાનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું કે શૉના મેકર અસિત કુમાર મોદીએ તેમની સાથે ખોટી રીતે વાત કરી હતી. એટલું જ નહીં `તારક મહેતા` સિવાય અન્ય કોઈ શૉમાં કામ કરવા બદલ તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
અભિનેતાએ એ પણ ખુલાસો કર્યો હતો કે અસિત કુમાર મોદી (Asit Kumarr Modi)એ તેમની ચૂકવણી અટકાવીને તેમને હેરાન કર્યા હતા. શૈલેષનું કહેવું છે કે મેકર્સ તેને કોન્ટ્રાક્ટ સાઈન કરવા માટે દબાણ કરવા માગતા હતા, જેના માટે તે તૈયાર નહોતા. શૈલેશ લોઢાએ તાજેતરમાં લલ્લનટોપને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે આ આત્મસન્માનની વાત છે, તેથી તેમણે શૉ છોડવાનો નિર્ણય કર્યો હતો.
શૈલેષ લોઢાએ જણાવ્યું કે, વર્ષ 2022માં તેમને સ્ટેન્ડ-અપ શૉ `ગુડ નાઈટ ઈન્ડિયા`માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે ‘કવિ શૈલેષ લોઢા’ એ તેમની પોતાની ઓળખ છે અને તે આ શૉનો ભાગ બનીને ખૂબ જ ખુશ હતા. અભિનેતાએ કહ્યું, “મેં તે શૉ માટે શૂટિંગ કર્યું હતું અને ત્યાં એક કવિતા પણ સંભળાવી હતી, પરંતુ તેના ટેલિકાસ્ટના એક દિવસ પહેલાં મને `તારક મહેતા`ના નિર્માતાએ મને ફોન કર્યો અને મારા શૉમાં જોડાવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો.”
શૈલેષ લોઢાએ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC)ના નિર્માતા પર શૉમાં દરેકને પોતાનો નોકર કહેવાનો આરોપ પણ લગાવ્યો હતો. અભિનેતાએ કહ્યું કે, “શૉના નિર્માતાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. પછી એકવાર શૉમાં તેમણે દરેકને અપમાનજનક રીતે પોતાના નોકર કહ્યા, હું તેમની બોલવાની રીતને સહન કરી શક્યો નહીં. કોઈ એક વ્યક્તિના કારણે નહીં પણ સૌના પ્રયાસથી આ શૉ બન્યો છે. 17 ફેબ્રુઆરીના રોજ મેં મેઈલ કર્યો કે હું હવે શૉમાં કામ કરી શકીશ નહીં.”
તેમણે ઉમેર્યું કે, “તેમ છતાં હું એપ્રિલ સુધી શૉમાં ગયો, પરંતુ મારો હાથ મરડવા માટે – મને મજબૂર કરવા માટે મારા પૈસા અટકાવવામાં આવ્યા હતા. લોકોએ ખાસ જાણવું જોઈએ કે અમારી ઇન્ડસ્ટ્રીનો નિયમ છે કે તમને કરેલા કામની ચુકવણી ૯૦ દિવસ બાદ કરવામાં આવે છે. ધારો કે કોઈ વ્યક્તિ ૧ જાન્યુઆરીએ કામ કરે છે, તો તેને એ દિવસન પૈસા ૧ એપ્રિલે મળશે.”