જેટલી ઝડપથી ફેમ મળે, એટલી જ ઝડપથી લોકો તમને ભૂલી જાય

27 April, 2021 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘મધુબાલા’ ફેમ ઍક્ટર વિવિયન ડિસેનાનું કહેવું છે કે ધીમી ગતિએ મળતી સફળતા લાંબો સમય ટકે છે

વિવિયન ડિસેના

રિયલિટી શોને કારણે મળતી ઇન્સ્ટન્ટ ફેમ વિશે અભિનેતા વિવિયન ડિસેનાનું કહેવું છે કે જેટલી ઝડપી સફળતા મળે એટલી જ ઝડપથી લોકો તમને ભૂલી જાય છે. ૨૦૦૮માં ‘કસમ સે’ સિરિયલથી અભિનયક્ષેત્રે ડેબ્યુ કરનાર વિવિયન ડિસેનાએ ‘પ્યાર કી એક કહાની’, ‘મધુબાલા - એક ઇશ્ક, એક ઝુનૂન’, ‘શક્તિ - અસ્તિત્વ કે એહસાસ કી’ જેવા ગણ્યાગાંઠ્યા શો કર્યા છે, પણ તેના દરેક રોલ નોંધપાત્ર રહ્યા છે. આજકાલ રિયલિટી શોને કારણે જે-તે વ્યક્તિ એકાએક ચર્ચામાં આવી જાય છે અને ત્વરિત ફેમ મેળવે છે એ વિશે વિવિયનનું કહેવું છે કે ‘જેટલી ઝડપથી તમને ફેમ મળે એટલી જ ઝડપથી તમે ભુલાઈ પણ જાઓ છો! જો તમે ધૈર્ય રાખીને ધીમી ગતિએ કામ કરો તો તમને શીખવા પણ મળે છે અને એ સફળતા લાંબી ટકે છે. હું પોતે ‘ઝલક દિખલા જા’, ‘ખતરોં કે ખિલાડી’ જેવા રિયલિટી શો કરી ચૂક્યો છું, પણ એમાં મેં મારી જાતને એક્સપ્લોર કરી છે.’

ઉલ્લેખનીય છે કે વિવિયન ડિસેના છેલ્લે ‘શક્તિ- અસ્તિત્વ કે એહસાસ કી’માં હરમન તરીકે જોવા મળ્યો હતો, પણ શોમાં લીપ આવતાં તેણે મોટી ઉંમરના પિતાનો રોલ કરવા માટે ના પાડી હતી. તાજેતરમાં ‘બિગ બૉસ’ વિનર રુબિના દિલેકે ‘શક્તિ...’માં સૌમ્યા તરીકે કમબૅક કર્યું છે અને હરમનના રોલમાં વિવિયનની જગ્યાએ ‘કસૌટી ઝિંદગી કી’ ફેમ સેઝાન ખાને એન્ટ્રી કરી છે.

entertainment news indian television television news tv show vivian dsena