30 April, 2021 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તરુણ ખન્ના હનુમાન તરીકે
સ્ટાર ભારતના સુપરહિટ શો ‘રાધાકૃષ્ણ’માં હવે હનુમાનજીની એન્ટ્રી થવાની છે. આ કૅરૅક્ટર તરુણ ખન્ના કરે છે. તરુણ ખન્ના આ જ શોમાં શિવજીનું પાત્ર કરે છે ત્યારે તેને જ હનુમાન બનાવવા માટે સ્વાભાવિક રીતે વિચારવામાં આવે, પણ એવું કરવામાં નથી આવ્યું, જેનું કારણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે હનુમાનજી ભગવાન શિવનો ૧૧મો રુદ્રાવતાર છે. આ જ કારણે બન્ને પાત્રોમાં ફેસિયલ-ફીચર્સ અકબંધ રહે એવા હેતુથી તરુણને જ શિવ પછી હવે હનુમાનના કૅરૅક્ટરમાં પણ લાવવામાં આવ્યો છે.
તરુણ ખન્ના કહે છે, ‘બન્ને કૅરૅક્ટરના ગેટઅપમાં જ મને કલાકો નીકળી જાય છે પણ મને શાસ્ત્રોની જે વાત કરવામાં આવી એ પછી થયું કે મારે જ આ કૅરૅક્ટર કરવું જોઈએ. શિવજીનું કૅરૅક્ટર અત્યારે ઑલરેડી ચાલી રહ્યું છે ત્યારે હનુમાનજીનું પાત્ર કરવામાં હવે મારા શૂટિંગમાં જ ૧૨થી ૧૬ કલાક લાગે છે, પણ મજા આવે છે.’
શિવ અને હનુમાન બન્ને એકબીજાની સામે આવે છે એ સીક્વન્સ સૌથી ઇન્ટરેસ્ટિંગ છે એવું તરુણનું કહેવું છે. તરુણ કહે છે, ‘બન્ને ફ્રેમમાં હું જ છું અને એ પછી પણ હું ક્યાંય દેખાતો નથી. તમને એવું જ લાગશે કે શિવજી અને હનુમાનજી જ એકબીજાની સામે ઊભા છે.’