તારક મહેતાના નટ્ટુ કાકાને રિપ્લેસ કરાશે નહીં, શોના નિર્માતાએ કરી આ સ્પષ્ટતા

17 November, 2021 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેતા ઘનશ્યામ નાયકના નિધન પછી થોડા મહિનાઓ પણ વીત્યાં નથી કે શોમાં તેના રિપ્લેસમેન્ટની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ફાઇલ ફોટો

અભિનેતા ઘનશ્યામ નાયકે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટ્ટુ કાકાનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. તેમના નિધન પછી થોડા મહિનાઓ પણ વીત્યાં નથી કે શોમાં તેના રિપ્લેસમેન્ટની ચર્ચા શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ છે, જેમાં એક વૃદ્ધને નવા નટ્ટુ કાકા કહેવામાં આવી રહ્યા છે. આ અહેવાલો પર, શોના નિર્માતા અસિત મોદીએ અગાઉ પણ પોતાનો જવાબ આપ્યો હતો. હવે ફરી એકવાર તેમણે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે.

આસિત મોદીએ બોમ્બે ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે શોમાં ઘનશ્યામ નાયકને રિપ્લેસ કરવાની કોઈ યોજના નથી. તેમણે કહ્યું કે “તેમનું અવસાન થયાને એક મહિનો પણ થયો નથી. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા મારા મિત્ર હતા અને મેં તેમની સાથે ઘણા વર્ષો કામ કર્યું છે. હું શોમાં તેમના યોગદાનનું મહત્વ જાણું છું. અત્યારે શોમાં તેમના પાત્રને બદલવાની કે કોઈ નવા કલાકારને શોમાં લાવવાની કોઈ યોજના નથી. ઘણી અફવાઓ ચાલી રહી છે, પરંતુ હું દર્શકોને વિનંતી કરું છું કે તે અફવાઓ પર ધ્યાન ન આપે.”

ઉલ્લેખનીય છે કે ૩ ઑક્ટોબરે ઘનશ્યામ નાયકે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આસિત મોદીએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કરતું નિવેદન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે “ઘનશ્યામ નાયકના નિધનથી માત્ર તેમના શોને જ નહીં, પરંતુ તેમને અંગત નુકસાન પણ થયું છે.” આસિત મોદીએ ઘનશ્યામ નાયકના વખાણ કરતા લખ્યું કે “તેઓ હંમેશા પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર માણસ હતા. તેમની ખોટ સૌ કોઈ અનુભવશે.”

entertainment news television news