06 December, 2023 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અસિત કુમાર મોદી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ખાતરી આપી છે કે આ શો બંધ નહીં થાય અને દયાબેનની એન્ટ્રી પણ પાછી થવાની છે. અગાઉ અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે દયાબેન ટૂંક સમયમાં આ શોમાં પાછી ફરવાની છે. જોકે હાલમાં એપિસોડમાં દેખાડવામાં આવ્યું હતું કે જેઠાલાલ કારનો દરવાજો એ આશાએ ખોલે છે કે દયા આવી છે, પરંતુ કારમાં કોઈ નથી હોતું. એ જોઈને જેઠાલાલ નારાજ થઈ જાય છે. સાથે જ દર્શકો પણ નારાજ થઈ ગયા છે. એને કારણે સોશ્યલ મીડિયામાં આ સિરિયલને બૉયકૉટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. દયાનો રોલ કરનાર દિશા વાકાણી ૨૦૧૭થી જ આ શોમાંથી નીકળી ગઈ છે. તેને લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી તે આ શોમાં પાછી નથી આવી. હવે સબ પર આવતા આ શોને લઈને અસિત કુમાર મોદીએ કહ્યું કે ‘હું અહીં દર્શકોને મનોરંજન આપવા માગું છું અને મારા દર્શકો સાથે હું જુઠ્ઠું નહીં બોલું, જોકે અમુક કારણવશાત અમે દયાના કૅરૅક્ટરને પાછું નથી લાવી શક્યા. એનો અર્થ એ નથી કે શોમાં એ પાત્રની એન્ટ્રી નહીં થાય. એ પછી દિશા વાકાણી હશે કે પછી અન્ય કોઈ હશે એ સમય આવતાં જાણ થશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ક્યાંય નથી જઈ રહ્યો. પંદર વર્ષ સુધી કૉમેડી શો ચલાવવો સરળ નથી. આ એક એવો શો છે જેમાં એકેય લીપ નથી આવ્યો.’