06 July, 2022 02:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરભિ ચંદના અને ધીરજ ધૂપર
‘શેરદિલ શેરગિલ’માં હવે સુરભિ ચંદના અને ધીરજ ધૂપર લીડ રોલમાં જોવા મળશે. કલર્સ ચૅનલ પર શરૂ થઈ રહેલાં આ શોમાં સુરભિ મનમિત શેરગિલનું પાત્ર ભજવી રહી છે જેણે કેટલાક કઠોર નિર્ણય લેતાં તેની લાઇફ હંમેશાં માટે બદલાઈ જાય છે. તે યુવાન હોય છે અને મહત્ત્વાકાંક્ષી હોવાથી તે પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રી આર્કિટેક્ચરમાં પોતાની જગ્યા બનાવવા માગતી હોય છે. આ દરમ્યાન તે યુવાન અને કૅરફ્રી રાજકુમાર યાદવને મળે છે. આ રાજકુમારનું પાત્ર ધીરજ ભજવી રહ્યો છે. આ વિશે સુરભિએ કહ્યું હતું કે ‘મેં મારી કરીઅરમાં ઘણાં પાત્રો ભજવ્યાં છે અને હું ફરી એક નવા પાત્ર સાથે આવી છું જે મારા દર્શકો માટે ખૂબ જ જરૂરી છે. આ એક લાઇટહાર્ટેડ શો છે. આવું કૉમ્પ્લેક્સ અને સ્ટ્રૉન્ગ પાત્ર ભજવવું ખૂબ જ ચૅલેન્જિંગ છે. આ સ્ટોરી લાઇન ખૂબ જ યુનિક છે.’
આ વિશે ધીરજે કહ્યુ કે ‘આ શોમાં મારું પાત્ર ખૂબ જ એક્સાઇટિંગ અને ચૅલેન્જિંગ છે. કોઈ પણ નવી શરૂઆત દરમ્યાન હું આ જ વસ્તુ ધ્યાનમાં રાખું છું. મારા દર્શકો મને પહેલાં ક્યારેય નહીં જોયા હોય એવા અવતારમાં જોઈ શકશે.’