30 August, 2024 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુધાંશુ પાંડે
‘અનુપમા’ સિરિયલમાં વનરાજ શાહનો રોલ કરનાર સુધાંશુ પાંડેએ શોને બાય-બાય કહી દીધું છે. સ્ટાર પ્લસ પર આવતો આ શો ૨૦૨૦માં શરૂ થયો હતો. શોના માધ્યમથી લોકોના મળેલા પ્રેમનો સુધાંશુએ આભાર માન્યો છે. શો છોડવાની માહિતી એક વિડિયો શૅર કરીને તેણે આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા એ વિડિયોમાં સુધાંશુ કહી રહ્યો છે, ‘હું છેલ્લાં ચાર વર્ષથી તમારા સૌના ઘરે એક સિરિયલના માધ્યમથી પહોંચી રહ્યો છું. હું જે પાત્ર ભજવી રહ્યો છું એના માટે મને પ્રેમ અને નારાજગી બન્ને મળી રહ્યાં છે પરંતુ એ નારાજગી પણ એક પ્રકારે પ્રેમ જ છે. જો તમે મારા પાત્ર પર નારાજ ન થયા હોત તો મને એમ લાગ્યું હોત કે હું મારો રોલ સારી રીતે નથી ભજવી રહ્યો. તમે સૌએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. હું ભારે હૃદયે સૌને કહેવા માગું છું કે હું હવે ‘અનુપમા’ શોનો ભાગ નથી. રક્ષાબંધનથી હું શોનો ભાગ નથી. આટલા દિવસો પસાર થઈ ગયા હતા અને મારા દર્શકો મારાથી નારાજ ન થાય કે તેમને જણાવ્યા વગર અચાનક હું ચાલ્યો ગયો, એથી મને એહસાસ થયો કે આ મારી જવાબદારી બને છે કે હું સૌને આ વાત જણાવું. હું હવે ‘અનુપમા’માં વનરાજ શાહના રોલમાં નહીં દેખાઉં. મને લોકોનાં જે પ્રેમ, સન્માન અને સપોર્ટ મળ્યાં એનો હું આભારી છું. અચાનક આ નિર્ણય લેવા માટે હું માફી માગું છું. જીવનમાં આપણે આગળ વધવું જોઈએ. મારા ભવિષ્યના કામને પણ તમે પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. હું વિવિધ પાત્રો ભજવવાનો છું, જે તમને કંટાળો નહીં અપાવે. તમને મનોરંજન આપતો રહીશ. કલાકારની ઇચ્છા હોય છે કે તે પોતાના દર્શકોને સતત મનોરંજન આપતો રહે. વનરાજ શાહ બનીને તો કદાચ હું તમને નહીં મળું, પરંતુ અલગ-અલગ પાત્રોથી તમને મળતો રહીશ.’