19 August, 2020 11:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુચિતા ત્રિવેદી
સોની ટીવી પર ‘ઇન્ડિયાવાલી માં’ નામનો નવો શો શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં તમારી ઉંમર કોઈ પણ હોય, ભલે તમે મોટા થઈ જાઓ, પરંતુ તમને માતાની જરૂર હંમેશાં રહે છે; તમે તેની પાસે ગમે ત્યારે મદદ માગી શકો છો અને તે તમને મદદ કરવા હંમેશાં તત્પર રહે છે એ મુદ્દાની આજુબાજુ વાર્તા રજૂ કરવામાં આવી છે.
‘ઇન્ડિયાવાલી માં’માં માતાનું મુખ્ય પાત્ર અભિનેત્રી સુચિતા ત્રિવેદી ભજવશે. ‘બા બહૂ ઔર બેબી’માં મીનાક્ષી ઠક્કરના રોલથી જાણીતાં થયેલાં સુચિતા ત્રિવેદીએ અઢળક સિરિયલો તથા હિન્દી ફિલ્મો કરી છે. છેલ્લે ગુજરાતી ફિલ્મ ‘વેન્ટિલેટર’ (2018)માં પણ દેખાયલાં સુચિતા ત્રિવેદીએ જણાવ્યું કે ‘ઇન્ડિયાવાલી માં’માં મારા પાત્રનું નામ કાકુ છે. કાકુ જેવાં લોકો જ સાબિત કરે છે કે દુનિયામાં પાક્કા ઇરાદા અને આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે અને બીજું એ કે જ્યારે બાળકોની વાત આવે છે ત્યારે મા કોઈ પણ પડકાર અને મુશ્કેલીનો સામનો કરી શકે છે એ મુદ્દો પણ આ સિરિયલમાં રજૂ કરવામાં આવ્યો છે. આ પાત્ર ખૂબ ભાવુક અને ઊંડું છે.’ સિરિયલમાં સુચિતા ત્રિવેદી એટલે કે કાકુના દીકરાનું પાત્ર ઍક્ટર અક્ષય મ્હાત્રે ભજવી રહ્યો છે.