10 July, 2024 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વેતા તિવારી
શ્વેતા તિવારી ટેલિવિઝનમાં ફેમસ ઍક્ટર છે. ઉમદા ઍક્ટિંગ કરનાર શ્વેતાને લાઇફમાં ઘણી તકલીફ વેઠવી પડી છે. તેના બે વખત ડિવૉર્સ થયા છે અને હવે તેનું માનવું છે કે તેની સાથે કોઈ ચીટિંગ પણ કરે તો એનાથી તેને કોઈ ફરક નથી પડતો. ૧૯૯૮માં તેણે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. એ લગ્નજીવનથી તેને પલક તિવારી નામની દીકરી છે. ૨૦૦૭માં તેમના ડિવૉર્સ થયા હતા. બાદમાં શ્વેતાએ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. તેને રેયાંશ કોહલી નામનો દીકરો છે. ૨૦૧૯માં શ્વેતા અને અભિનવના પણ ડિવૉર્સ થઈ ગયા હતા. લાઇફમાં આટલા પડકારોનો સામનો કર્યા પછી હવે શ્વેતા મજબૂત બની ગઈ છે. એ વિશે શ્વેતા કહે છે, ‘પહેલી વખત તમારી સાથે કોઈ દગો કરે તો તમને ખૂબ તકલીફ થાય છે. તમે રડો છો. ભગવાનને સવાલ કરો છો કે મારી સાથે આવું શું કામ થયું? તમે પોતાની જાતને સંભાળવાનો પ્રયાસ કરો છો. બીજી વખત જ્યારે આવું થાય તો તમને એહસાસ થાય છે કે આ તમને ખૂબ પીડા આપે છે. જોકે ત્રીજી વખત તમારી સાથે કોઈ ચીટિંગ કરે તો તમને તકલીફ નથી થતી, તમારા પર એની અસર નથી થતી. હવે જો કોઈ મારી સાથે ચીટિંગ કરે તો મને કોઈ તકલીફ નથી થતી અને હું કોઈ ફરિયાદ પણ નથી કરતી.’