02 December, 2019 12:37 PM IST | Mumbai | Rashmin Shah
શુભાંગી અત્રે
સહી પકડે હૈ.
આ ત્રણ શબ્દો રીતસરના ચલણમાં લાવીને મૂકી દેનારી એન્ડ ટીવીની કોમેડી ડેઇલી સૉપ ‘ભાભીજી ઘર પે હૈ’ની લીડ સ્ટાર શુભાંગી અત્રેએ આ શો માટે હમણાં નેટફ્લિક્સની એક બહુ મોટી કહેવાય એવી વેબ સિરીઝ જતી કરી. બન્યું એવું કે વેબ સિરીઝ માટે એ ઓલમોસ્ટ ફાઇનલ હતી અને તેણે માત્ર હા જ કહેવાની હતી પણ છેલ્લી ઘડીએ શુભાંગીએ ના પાડી દીધી. બન્યું એમાં એવું કે વેબ સિરીઝ માટે શુભાંગીએ સાઉથ આફ્રિકા જવું પડે એમ હતું, ત્યાં વીસથી પણ વધારે દિવસનું શૂટ હતું અને એટલાં દિવસ ડેઇલી સૉપમાંથી રજા મળે એવી શક્યતા લગભગ નહીંવત્ હતી. લીડ કૅરેક્ટર હોવાથી બે ભાભીજી પૈકીની એક ભાભીજી કારણ વિના આવડી રજા લે એવું ચેનલ ઈચ્છતી નહોતી પણ એ શુભાંગીને અટકાવી શકે એવી શક્યતા પણ નહોતી. વાત આવી શુભાંગીના નિર્ણય પર અને શુભાંગીએ નક્કી કરી લીધું કે વેબ સીરિઝ નહીં કરે. શુભાંગીએ કહ્યું હતું, ‘ટેલીવિઝન તમારી માટે મેરેજ જેવું છે. તમે શો સાથે લગ્ન કર્યા હોય એમ આ રિલેશન નિભાવવાના હોય અને એ રિલેશનને સો ટકા આપવાના હોય, એમાં પણ આ શો જે રીતે લોકોએ વધાવ્યો છે એ જોતાં તો કલાકારોએ બસ્સો ટકા આપવા પડે. મને લાગ્યું કે મારે એક વેબ સિરીઝ માટે શૉને ડેમેજ થાય એવું વિચારવું પણ ન જોઈએ. આ વાત મનમાં આવ્યા પછી કોઈ જાતનો વિચાર કર્યા વિના મેં મેસેજ કરીને પ્રોડકશન હાઉસને ના પડાવી દીધી.’
શુભાંગી અત્રે છેલ્લા ચાર વર્ષથી ‘ભાભીજી ઘર પે હૈ’ કરે છે, તેની પહેલાં એ કૅરેક્ટર શિલ્પા શિંદે કરતી હતી. શિલ્પાને પ્રોડકશન હાઉસ સાથે મતભેદ થતાં તેણે આ શૉ છોડ્યો અને શુભાંગીએ શિલ્પાનું રીપ્લેસમેન્ટ કર્યુ.