14 September, 2022 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન શ્રોફ અને અસિત કુમાર મોદી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ને હવે નવા તારક મહેતા મળી ગયા છે. આ રોલ અગાઉ શૈલેશ લોઢા ભજવતા હતા. તેઓ આ સિરિયલમાંથી નીકળ્યા બાદ તેમના સ્થાને નવા ઍક્ટરની શોધ ચાલી રહી હતી. હવે સચિન શ્રોફ આ ભૂમિકા ભજવશે. આ વાતની પુષ્ટિ શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કરી છે. સચિને શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. સચિન અગાઉ ઘણી સિરિયલ્સ જેવી કે ‘CID’, ‘નામ ગુમ જાએગા’, ‘બાલિકા વધૂ’ અને ‘નાગિન’માં પણ જોવા મળ્યો હતો. તે લોકોમાં ખાસ્સો લોકપ્રિય ચહેરો પણ છે. શૈલેશ લોઢાની એક્ઝિટ વિશે અસિત કુમાર મોદીએ કહ્યું કે ‘અમે ટૅલન્ટેડ ઍક્ટરની શોધ કરી રહ્યા હતા. શૈલેશ લોઢા પાછા આવી શકે છે. મારા ઍક્ટર્સ જ્યારે શો છોડીને જાય છે તો મને ખરાબ લાગે છે. તેઓ શો છોડીને જાય એ અગાઉ મેં તેમને મનાવવા માટે તેમની સાથે લાંબી ચર્ચા પણ કરી હતી, પરંતુ મારા પ્રયાસ નિષ્ફળ રહ્યા કેમ કે તેમને નવી તક મળી છે અને તેમને આ શો છોડવો હતો. અમારી ઇચ્છા હતી કે તેઓ પાછા આવે. જોકે હું કોઈના માટે લાંબા સમય સુધી રાહ ન જોઈ શકું. આ શો અમારા અને દર્શકો માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. જો તેઓ પાછા ન આવે તો મારે તેમના સ્થાને નવા તારક મહેતા લાવવા જ પડે.’
સાથે જ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા તારક મહેતા તરીકે સચિનનું સ્વાગત કરતાં અસિત કુમાર મોદીએ કહ્યું કે ‘હું મારા ગોકુળધામ પરિવારમાં સચિનનું ઉમળકાભેર સ્વાગત કરું છું. તેઓ તારક મહેતાના પાત્રમાં જોશ અને ભાવનાઓનું મિશ્રણ લઈને આવશે. મને પૂરો વિશ્વાસ છે કે આ નવા તારક મહેતાના રૂપમાં સચિન લોકોને પસંદ પડશે. તે મલ્ટિટૅલન્ટેડ ઍક્ટર છે. હું અમારા દર્શકોને વિનંતી કરું છું કે તેઓ સચિનને પ્રેમ અને આશીર્વાદ આપે.’