11 December, 2023 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોનીત રૉય
રોનિત રૉય શૂટિંગમાં જવાના ચાર કલાક પહેલાંથી ડ્રિન્ક કરતો હતો અને સેટ પર ડ્રિન્ક કરીને જતો હતો. તે ઊંઘી શકતો નહોતો. તેણે ટીવીની એક એકથી ચડિયાતી સિરિયલમાં કામ કર્યું હતું. તેણે ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘જાન તેરે નામ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. જોકે એ ફિલ્મ હિટ ગઈ હોવા છતાં તેને ઘણા સમય સુધી કોઈ કામ નહોતું મળ્યું એને લીધે તેને દારૂની લત લાગી ગઈ હતી અને આવું ૯ વર્ષ સુધી ચાલ્યું હતું. એ વિશે રોનિતે કહ્યું કે ‘મને સફળતા સમજમાં ન આવી. હું હીરો બની ગયો અને મને અંદાજ નહોતો કે એનો પણ અંત આવશે. તમે જ્યારે ડ્રિન્ક કરો ત્યારે અનેક ભૂલ કરી બેસો. પણ મેં કોઈ ભૂલ નહોતી કરી અને કોઈ વખત હું સેટ પર મોડો નથી પહોંચ્યો. હું સેટ પર હંમેશાં સમયસર પહોંચી જતો. મારા કોઈ સાથી-કલાકારો સમયસર આવતા નહીં. શૂટિંગ શરૂ થવાના ચાર કલાક પહેલાંથી હું સતત ડ્રિન્ક કરતો. હું ઊંઘી શકતો નહીં અને મારી આંખો લાલઘૂમ થઈ જતી હતી. તમે એવા ન દેખાવા જોઈએ. તમારા પર જવાબદારી હોય છે. લોકો થિયેટરમાં તમને જોવા આવે છે.’
એક દિવસ અચાનક જવાબદારીનો એહસાસ થતાં તેણે એ રીતે દારૂ પીવાનું છોડી દીધું હતું. જોકે હજી પણ તે ડ્રિન્ક કરે છે, પરંતુ પહેલાંની જેમ નહીં. એનું કારણ જણાવતાં રોનિતે કહ્યું કે ‘ઘરે મારી વાઇફ અને બાળકો છે એટલે મારી અંદર એક પ્રકારની ચિંતા ઘર કરી ગઈ હતી. મારી દીકરી લૉસ ઍન્જલસમાં ભણે છે. મને ડર એ વાતનો લાગતો હતો કે જો મારા ઘરે, મારી ફૅમિલી સાથે અડધી રાતે કોઈ અપ્રિય ઘટના બને તો હું તેમના સુધી કઈ રીતે પહોંચી શકીશ. હું દારૂના નશામાં ધૂત હોઈશ અને તેમને મદદ ન કરી શકું તો? આવું બને એવું હું નહોતો ઇચ્છતો.’