03 June, 2023 08:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા ચિખલિયાની ફાઈલ તસવીર
દૂરદર્શન પર પ્રસારિત થનાર ધાર્મિક સીરિયલ `રામાયણ`ને (Ramayana) આજે પણ દર્શકોનો અઢળક પ્રેમ મળે છે. આ શૉમાં રામ, સીતા અને લક્ષ્મણનું પાત્ર ભજવ્યા બાદ આના કલાકારોને દર્શકોએ ભગવાનનો દરજ્જો આપવાનું શરૂ કરી દીધું હતું.
આજે પણ આ કલાકારો પ્રત્યે લોકોની અતૂટ ભાવનાઓ જોડાયેલી છે. તો `રામાયણ`માં સીતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયામાં (Dipika Chikhalia) આજે પણ દર્શકોને માતા સીતાનું રૂપ જ દેખાય છે. એવામાં વિચારો કે જો દીપિકા ચિખલિયા સીતામાતાના પિયરને ગામ એટલે મિથિલા પહોંચે તો ત્યાંના લોકોનું વર્તન શું હશે?
નોંધનીય છે કે દીપિકા ચિખલિયા તાજેતરમાં જ માતા સીતાના જન્મસ્થળ મિથિલા ગયાં હતાં. ત્યાં, તેમની સાથે જે પ્રકારનું વર્તન થયું તેનાથી તે ખૂબ જ ભાવુક થઈ ગયાં.
સીતામાતાનાં જન્મસ્થળે પહોંચ્યાં દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયા તાજેતરમાં જ માતા સીતાના જન્મસથળ મિથિલા ગયાં હતાં. એવામાં દીપિકાએ ત્યાંથી પાછાં ફરતી વખતનો વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોને જોઈને તમે પણ ભાવુક થઈ જશો. વીડિયોમાં દીપિકાને મિથિલા ગામના લોકો વિદાય આપવા પહોંચ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપિકા ગાડીમાં બેઠાં છે અને એક મહિલા તેમની સાથે પારંપરિક વિધિઓ કરી રહી છે. જેમ એક દીકરીને પિયરથી સાસરે જતી વખતે વિદાય કરવામાં આવે છે, તે જ રીતે આ ગામના લોકોએ દીપિકાની વિદાય કર્યાં. આ વીડિયો શૅર કરતાં દીપિકા ચિખલિયાએ કૅપ્શનમાં લખ્યું, "મિથિલામાં... સીતાજીની વિદાય... તેમણે એ બધું જ કર્યું જેનાથી મને એવું લાગે છે કે હું તેમની દીકરી છું. રામાયણના સમયમાં ખોવાઈ ગઈ."
આ પણ વાંચો : સિગ્નલમાં ભૂલને કારણે ડીરેલ થઈ કોરોમંડલ એક્સપ્રેસ? સામે આવ્યું રેલ ટ્રાફિક ચાર્ટ
ભાવુક થઈ રડી પડ્યાં દીપિકા ચિખલિયા
દીપિકા ચિખલિયાએ વધુ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કર્યો છે. આ વીડિયોમાં દીપિકા ખૂબ જ ભાવુક થાય છે તે વાત પણ નથી કરી શકતાં. વીડિયોમાં દીપિકા પોતાની કારમાં બેસીને કહે છે કે, "શું બોલું, આટલો બધો પ્રેમ આપ્યો છે મને કે મારી આંખ ભરાઈ ગઈ છે. મને નથી ખબર શું કહું. તેમણે મને આ આપ્યું અને પાણી પણ આપ્યું. કારણકે કહેવાય છે કે ઘરમાંથી દીકરી સૂકું ગળું કરીને ન જાય અને ખાલી ખોળો લઈને પણ ન જાય. તેમને લાગે છે કે હું સીતા જ છું. હે ભગવાન." આ કહેતાં તો દીપિકા ધ્રૂસકે-ધ્રૂસકે રડવા માંડે છે. ખરેખર દીપિકા માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક કરનારી હતી.