18 May, 2020 07:32 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
શ્રીકૃષ્ણ
કોરોના વાયરસ જેવી મહામારી દરમિયાન દેશમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આ લૉકડાઉન દરમિયાન ટીવી પર 80 અને 90ના દાયકાની સિરીયલો ફરીથી ટેલિકાસ્ટ કરાવામાં આવી રહી છે. રામાનંદ સાગરની રામાયણ જે દૂરદર્શન પર આવતી હતી અને હવે સ્ટારપ્લસ પર આવે છે અને બીઆર ચોપડાની મહાભારત પણ તાજેતરમાં જ આખી બતાવવામાં આવી હતી. ત્યાર બાદ 'શ્રી કૃષ્ણ' શૉ શરૂ કરવામાં આવ્યો છે.
રામાનંદ સાગરના શૉ 'શ્રીકૃષ્ણ' શરૂ થવાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. હવે આ શૉ શરૂ થવાની સાથે જ લોકો એ જાણવા માગે છે કે આખરે આ પાત્ર ભજવનાર વ્યક્તિ અત્યારે છે ક્યાં? અને શું કરી રહી છે. શ્રી કૃષ્ણ સિરીયલ શરૂ થતાંની સાથે જ શૉના મુખ્ય પાત્ર શ્રી કૃષ્ણ કોણ છે ક્યાં છે અને શું કરી રહ્યા છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક છે.
રામાનંદ સાગરની ટીવી સીરિયલ 'શ્રીકૃષ્ણા'માં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવનાર એક્ટરનું નામ સર્વદમન ડી બેનર્જી છે. તેમણે પોતાની સ્માઇલ દ્વારા આજે પણ લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી છે. સર્વદમન ડી બેનર્જીનો જન્મ 14 માર્ચ 1965ના ઉન્નાવના મગરવાડામાં થયો હતો. કાનપુરથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી સર્વદમને પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટથી ગ્રેજ્યુએશન કરી શિક્ષણ મેળવ્યું. આ શૉ સિવાય તેમણે 'અર્જુન', 'જય ગંગા મૈયા', અને 'ઓમ નમઃ શિવાય' આ સીરિયલ્સમાં પણ તેમણે મોટા ભાગે વિષ્ણુ કે કૃષ્ણના પાત્રો ભજવ્યા હતા. આ સાથે તેમણે હિન્દી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સર્વદમન હાલ પોતાની ફિલ્મ દુનિયાથી દૂર છે. તે હવે પહાડો વચ્ચે ઋષિકેશમાં પોતાનું મેડીટેશન સેન્ટર ચલાવે છે, જ્યાં લોકો પ્રકૃતિ વચ્ચે મેડીટેશનનો આનંદ માણે છે. એટલું જ નહીં તે એનજીઓ ચલાવે છે, જેનું નામ પંખ છે. આ એનજીઓ દ્વારા તે લગભગ 200 બાળકોના શિક્ષણનું ધ્યાન રાખે છે અને ઉત્તરાખંડની 50 ગરીબ મહિલાઓને સારું જીવન પસાર કરવા યોગ્ય બનાવવા માટે કામની ટ્રેનિંગ અપાવે છે.