19 April, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનીત જૌરા
અનેક વેબ-સિરીઝ અને ટીવી-સિરિયલમાં અગાઉ જોવા મળેલો અને અત્યારે દંગલ ચૅનલના શો ‘પ્રેમબંધન’માં જોવા મળતો મનીત જૌરા અત્યારના આ કોવિડકાળમાં બરાબરની મસ્તી કરી લે છે અને એક છીંક એવી ખાય કે સેટ પર હાજર સૌકોઈને પરસેવો છૂટી જાય. સેટ પર જ નહીં, મનીત ડબિંગથી માંડીને ક્રીએટિવ મીટિંગમાં પણ આ જ ખેલ કરે છે. મનીત પોતાની મસ્તી માટે વાત કરતાં કહે છે કે ‘અમે બધા બેઠા હોઈએ ત્યારે હું છુપાઈને એક નાનકડો સ્પ્રે મારી આંગળીઓ વચ્ચે રાખીને ખોટી છીંક ખાઉં અને એ વખતે સ્પ્રે પણ સાથે કરી દઉં, એટલે બધાના મોઢા પર એ પાણી ઊડે અને બધાને એવું લાગે કે એ મારા મોઢામાંથી આવ્યું છે. બધા ગભરાઈ જાય અને ફટાફટ બધા સૅનિટાઇઝ કરવામાં લાગી જાય. આ મસ્તી મેં બહુ લાંબો સમય કરી, પણ અત્યારે જ્યારે કોરોનાની આ સેકન્ડ વેવ આવી છે ત્યારે મને સમજાયું કે આવી મસ્તી ન જ કરવી જોઈએ. શરૂઆતમાં આ મસ્તીને સૌકોઈ મસ્તી તરીકે હસવામાં લઈ લેતા, પણ અત્યારના તબક્કે આ મસ્તી ન કહેવાય. આ ટેન્શન વધારે અને આવી મસ્તી ન કરવી જોઈએ એવું હું પણ બધાને કહીશ. મને ખબર છે કે યંગસ્ટર્સમાં આવી મજાક ઘણા કરે છે.’