28 November, 2024 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રૂપાલી ગાંગુલી અને તેનો પતિ (ડાબે), સાવકી દીકરી ઈશા વર્મા (જમણે)
‘અનુપમા’ સિરિયલની ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ તેની સાવકી દીકરી ઈશા વર્મા સામે ૫૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો ઠોકી દીધા બાદ ગઈ કાલે ઈશાએ એની પ્રતિક્રિયા આપી હતી. નોટિસ મળતાં ઈશાએ તેની જૂની પોસ્ટ હટાવી દીધી હતી, પણ હવે ઇન્સ્ટાગ્રામ પર તેણે પોતાની વાત લખી છે. તેણે રૂપાલી ગાંગુલી વિશે લખ્યું છે કે તે ખલેલ પહોંચાડનારી, ક્રૂર છે અને તેણે તેના સાચા કૅરૅક્ટરને દર્શાવ્યું છે.
ઈશા વર્માએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી-સેક્શનમાં લાંબી નોટ લખી છે, જેમાં તે જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે તેના પિતા સાથેના સંબંધો વિશેના અંગત અનુભવોની વાત શૅર કરવાના લીધેલા નિર્ણયને મુશ્કેલ નિર્ણય ગણાવ્યો હતો.
આ મુદ્દે ઈશાએ લખ્યું હતું કે ‘મારા આ નિર્ણયે સોશ્યલ મીડિયા અને લોકોની નજરમાં વ્યાપક ધ્યાન ખેચ્યું હતું. આ વિશે બોલવું એ અત્યાર સુધીની સૌથી મુશ્કેલ વસ્તુ હતી, પણ એ મારા જીવનમાં મોટો ટર્નિંગ-પૉઇન્ટ બની ગઈ હતી. એના લીધે મારા વિચારોમાં સ્પષ્ટતા, શાંતિ અને વર્ષોના મૌનમાંથી સ્વતંત્રતા મળી છે.’
ઈશા વર્માએ ખુલાસો કર્યો હતો કે ‘૨૪ વર્ષ સુધી હું એવી વાસ્તવિક્તામાં ફસાયેલી રહી હતી જ્યાંથી છટકવું મુશ્કેલ હતું. મારા અનુભવ શૅર કરવા એ સ્વતંત્રતા અને ન્યાય શોધવાની મારી રીત હતી. મારો ઇરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો નહોતો, પણ મને ઘડવામાં જે બાબતોને મેં અનુભવી હતી એના પર પ્રકાશ પાડવાનો હતો. આમ કરવાથી હું અન્ય એવા લોકોને પણ અવાજ આપવાની આશા રાખું છું જેઓ મારા જેવા સંઘર્ષનો સામનો કરી રહ્યા હશે, ખાસ કરીને જ્યારે કુટુંબના સંબંધોની વાત આવે. એક અમેરિકન નાગરિક તરીકે મેં પ્રામાણિકતા સાથે મારી વાત કરવાના મારા અધિકારનો ઉપયોગ કર્યો છે.’
આ મુદ્દે ઈશાએ વધુમાં લખ્યું છે કે ‘મારા નિવેદન વિશે તેમનો પ્રતિભાવ વ્યથિત કરનારો, ક્રૂર હતો અને એ તેમના સાચા કૅરૅક્ટરને દર્શાવતો હતો. હું કોઈ અન્ય વ્યક્તિ નહોતી જે આ વાત કરી રહી હતી, હું તો તેમના પરિવારની સભ્ય હતી અને તેમના વર્તાવથી સીધી અસર પામેલી વ્યક્તિ હતી.’
રૂપાલી ગાંગુલી અને તેના પિતાના સંબંધો વિશે પોતાની પોસ્ટ બાબતે ખુલાસો કરતાં ઈશા વર્માએ લખ્યું હતું કે ‘એ હકીકત છે કે તેમનાં લગ્ન ૨૦૧૩ની છઠ્ઠી ફેબ્રુઆરીએ થયાં હતાં અને એ જ વર્ષની પચીસ ઑગસ્ટે તેમના ઘરે સંતાન જન્મ્યું હતું. મેં બસ આટલું જ કહ્યું હતું, મીડિયામાં જે અર્થઘટન થયું એ મારા ઇન્પુટ કે મારી સંમતિ વગર ઉમેરવામાં આવ્યું હતું. મેં માત્ર મારા પોતાના અનુભવોની વાત કરી હતી અને એ બે વ્યક્તિઓ વિશેની જ હતી.’