20 June, 2023 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આસિત કુમાર મોદી અને જેનિફર મિસ્ત્રી (ફાઈલ તસવીર)
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` ટીવી સિરિયલ (taarak mehta ka ooltah chashmah) છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી આ કોમેડી સિરિયલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. હવે આ શો વિશે ગંભીર સમાચાર આવ્યા છે કે, શોમાં જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર ગત 11 મેના રોજ જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.
અભિનેત્રીએ અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહિલ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે આ બાબતે કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે આસિત મોદી, સોહેલ રમણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
જેનિફરે સાથે છેલ્લા ઘણા સમયથી આવું કરવામાં આવી રહ્યું છે. પરંતુ આસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી તે ચૂપ રહી હતી. 2019માં તેણે તેના કો-સ્ટાર્સને આ જાતીય સતામણી વિશે જણાવ્યું હતું, એ સમયે તેમણે તેને ટેકો આપ્યો હતો. પરંતુ આજે તેના પતિ અને સાસરિયાં સિવાય કોઈ તેના સમર્થનમાં નથી.
જેનિફર આ બાબતે જણાવે છે કે, “હકીકતમાં 2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયા હતાં, ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણીવાર તેઓ હોટલના રૂમમાં મને આવવાનું પણ કહેતા હતા. પછી જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ મજાક કરી રહ્યા હોવાનું કહીને છટકી જતા. ઉપરાંત લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા. જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા. જેનિફર વિશેષમાં કહે છે કે, ‘મેં કેટલીયવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી તેમણે એટલી વધારે મને હેરાન કરી છે.’
જેનિફર ઉમેરે છે કે, `4થી એપ્રિલે મેં તેમને Whatsapp પર જવાબ આપ્યો કે, ‘મારી સાથે જાતીય સતામણી કરવામાં આવી છે’. મેં એક ડ્રાફ્ટ પણ મોકલ્યો હતો. પરંતુ તેઓએ તે પરત કર્યો હતો. ઉપરથી તેઓએ આક્ષેપ કર્યો હતો કે હું તેમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મેં તે દિવસે નક્કી કર્યું કે, હવે મારે બધા પાસે માફી મગાવવી પડશે.`
જેનિફર દ્વારા એક મહિના પહેલા અધિકારીઓને એક મેઇલ મોકલવામાં આવ્યો હતો. પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. પરંતુ જેનિફરને ખાતરી છે કે તેઓ આ બાબતે તેમનું કામ કરી રહ્યા છે. જેનિફરે એક વકીલ રાખ્યો છે. જેનિફર વિશ્વાસ વ્યક્ત કરે છે કે તેને જલદી ન્યાય મળશે.
મુંબઈ પોલીસે ગુના નોંધ્યા બાદ હવે નીલા ફિલ્મ્સ પ્રોડક્શન લિમિટેડનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમે તમામ આરોપોને નકારી કાઢીએ છીએ. અમે પોલીસને અમારું નિવેદન આપ્યું છે. એફઆઈઆર નોંધાઈ છે કે કેમ તેની અમને જાણ નથી. કોઈ પણ સંજોગોમાં, આ બાબત તપાસ હેઠળ છે તેથી અમે વધુ ટિપ્પણીઓ કરીશું નહીં."