28 August, 2024 08:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કંગના રનૌત અને કૃષ્ણા અભિષેક (સોશિયલ મીડિયા)
કલર્સ ટીવીનો હાલનો સૌથી લોકપ્રિય શો `લાફ્ટર શેફ` લોકોને (Laughter Chefs) ખાવાની નવી નવી વાનગી બનાવવાનું શીખવતા કરતાં હસાવવા પર વધુ ધ્યાન આપે છે. પોતાના એકદમ જ વિચિત્ર અને નવા કન્સેપ્ટને કારણે આ શોએ શરૂ થતાની સાથે જ ભારતીય દર્શકોને ગમી ગયો છે અને હવે શોના નવા એપિસોડમાં બૉલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેની આગામી ફિલ્મ `ઇમરજન્સી`ના પ્રમોશન માટે પહોંચી છે. જેથી શોમાં કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, નિયા શર્મા, અંકિતા લોખંડે જેવા કોમેડિયન કલાકારો અને તેમના એક્ટને લીધે આ એપિસોડ લોકોને ખૂબ જ ગમશે એવું લાગી રહ્યું છે. તાજેતરમાં શૅર કરવામાં આવેલા શોના પ્રોમોમાં પણ તેની ઝલક બતાવવામાં આવી છે.
શેફ હરપાલ સિંહ સોખીના શો `લાફ્ટર શેફ્સ`ના પ્રોમો વીડિયોમાં કંગનાની એન્ટ્રી સાથે જ સાયરન વાગવા લાગે છે અને દરેક વ્યક્તિ ઈમરજન્સી બાબતે વાત કરવાનું શરૂ કરે છે કે ઈમરજન્સી કોણે લગાવી, ઈમરજન્સી કેમ લાદવામાં આવી અને પછી કંગના ત્યાં આવીને ઊભી રહી જાય છે. ત્યારે કૃષ્ણા અભિષેકે (Laughter Chefs) કંગનાને સવાલ કર્યો અને કહ્યું, `કંગના જી, મેં સાંભળ્યું છે કે સંસદમાં જ્યાં સુધી તમને કટ કરવાનું કહેવામાં ન આવે ત્યાં સુધી તમે બોલતા રહો. શું આ સાચું છે?` આ સાથે કૃષ્ણા એમ પણ કહે છે - આ સવાલ પૂછતા પહેલા હું ડાયપર પહેરીને આવ્યો છું. કૃષ્ણાના મોંમાંથી આ શબ્દો સાંભળીને કંગના ખડખડાટ હસી પડે છે.
આ પ્રોમોની પોસ્ટ જોઈને ઇનસ્ટાગ્રામના કમેન્ટ બૉક્સમાં ઘણા લોકોએ લખ્યું છે કે “આ બેસ્ટ એપિસોડ બનવા જઈ રહ્યો છે અને તેઓ આ એપિસોડ માટે ખૂબ જ ઉત્સાહિત છે”. તો બીજા એ લખ્યું કે “તે (કંગના) રેખાજીની કૉપી તરીકે કેમ આવી છે?” તો વધુ એકે લખ્યું ‘આ એપિસોડ તો જરૂર જોવો પડશે.” અહીં તમને કહેવાનું કે `લાફ્ટર શેફ` હોસ્ટ ભારતી સિંહે (Laughter Chefs) હાલમાં જ તેના લેટેસ્ટ વ્લોગમાં જણાવ્યું હતું કે આ શો સપ્ટેમ્બરમાં બંધ થવાનો છે. જો કે, તેણે એમ પણ કહ્યું કે શોનું વિસ્તરણ થઈ શકે છે અને તે બીજી સિઝન સાથે પાછો આવી શકે છે. તેમ જ એવી ચર્ચા છે કે `બિગ બોસ`ની નવી સીઝન આવવાની છે અને તેથી જ તે સપ્ટેમ્બરમાં બંધ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે બૉલિવૂડમાં પંગા ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત (Laughter Chefs) તેની ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને વિવાદ અને ચર્ચા બંનેમાં છે. આ ફિલ્મ ભારતના પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટીના ઐતિહાસિક કિસ્સા પર આધારિત છે જેને લીધે ફિલ્મ સામે અમુક લોકોએ વિરોધ તેમ જ અમુક લોકોએ પોતાનું સમર્થન આવ્યું છે.