16 April, 2021 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ સલુજા
કૉમેડી ડ્રામા ‘સરગમ કી સાડેસાતી’માં અપારશક્તિ અવસ્થી ઉર્ફે અપ્પુનું લીડ કૅરૅક્ટર ભજવતા કુણાલ સલુજાએ શો છોડવાનો નિર્ણય કર્યો હતો અને હવે તે પાછો શો સાથે જોડાઈ ગયો છે. ના, કુણાલ સલુજાએ ફી બાબતે કે પોતાના કૅરૅક્ટરથી નાખુશ થઈને આ શો નહોતો છોડ્યો, બલકે લગ્નને કારણે રજા ન મળતાં આ શો છોડ્યો હતો. વાત એમ છે કે કુણાલ આ મહિને પરણવા જઈ રહ્યો છે અને તેની બહેનનાં લગ્ન પણ એ જ દિવસે છે એટલે રીતિરિવાજો અને તૈયારી માટે કુણાલને ૧૦ દિવસની રજા જોઈતી હતી, પણ કોરોનાને લીધે જ્યાં શૂટિંગ માંડ-માંડ શક્ય બન્યું છે અને હવે તો હળવું લૉકડાઉન છે ત્યાં કોઈ ઍક્ટર ઘણા દિવસો શૂટિંગ માટે હાજર ન રહે એ નિર્માતાને કેમ પરવડે? એટલે જ કુણાલ સલુજાએ શો છોડવાનો નિર્ણય લેતાં તેની જગ્યાએ અન્ય ઍક્ટરને શોધવાનું શરૂ થયું હતું. જોકે આખરે કુણાલે પોતાની રજા ઘટાડતાં તે હવે પાછો શોમાં જોડાઈ ગયો છે. કુણાલે કહ્યું કે ‘મેલ લીડ તરીકે ‘સરગમ કી સાડેસાતી’ મારો પહેલો શો હોવાથી મેં ભારે હૃદયે શો છોડવાનો નિર્ણય કર્યો હતો. મેં એવું પણ સાંભળ્યું હતું કે મારું રિપ્લેસમેન્ટ શોધાઈ રહ્યું છે, પણ મારો ટીમે કૉન્ટૅક્ટ કર્યો અને મેં રજા ઘટાડી નાખતાં હવે બધું થાળે પડી ગયું છે.’