`કુમકુમ ભાગ્ય` ફેમ પીઢ અભિનેત્રી આશા શર્માનું નિધન, 88 વર્ષની વયે લીધાં અંતિમ શ્વાસ

25 August, 2024 07:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) એ રવિવારે બપોરે 3:01 વાગ્યે તેના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આશા શર્માના નિધનની માહિતી આપી હતી

પ્રતીકાત્મક તસવીર

Asha Sharma Passes Away: 88 વર્ષનાં અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશને તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી છે. જોકે, અભિનેત્રીના મૃત્યુનું સાચું કારણ બહાર આવ્યું નથી. આશા શર્માએ ઘણા ટીવી શૉ અને ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 2023માં આવેલી ફિલ્મ આદિપુરુષમાં શબરીના રોલમાં જોવા મળ્યાં હતાં.

CINTAAએ અભિનેત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA)એ રવિવારે બપોરે 3:01 વાગ્યે તેના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને આશા શર્માના નિધનની માહિતી આપી હતી. એસોસિએશન અભિનેત્રીના નિધન પર શોક પણ વ્યક્ત કર્યો હતો. આશા શર્માના નિધન પર મીડિયા સાથે વાત કરતાં એક્ટ્રેસ ટીના ઘાઈએ કહ્યું, ગયા વર્ષે તેમની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થયા બાદ તેઓ 4 વખત પડી ગયાં હતાં. તેઓ ગયા એપ્રિલથી પથારીવશ હતી. તે સ્ટેજ પર પણ કામ કરવા તૈયાર હતાં. તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી કામ કરવા માગતાં હતાં.

આદિપુરુષ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતે પણ આશા શર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, “આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓ કેટલા અદ્ભુત કલાકાર અને વ્યક્તિ હતાં. આ સાંભળીને ખૂબ દુઃખ થયું છે.”

ધર્મેન્દ્ર અને હેમા માલિની સાથે પણ કામ કર્યું

આશા શર્માએ 13 વર્ષની ઉંમરે એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેઓ ફિલ્મો અને ટીવી શોમાં માતા અને દાદીની ભૂમિકા ભજવવા માટે જાણીતાં હતાં. તેમણે ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ ‘દો દિશાએં’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં પ્રેમ ચોપરા, અરુણા ઈરાની અને નિરુપા રોય જેવા કલાકારો પણ હતાં. આ સિવાય આશા શર્મા ‘મુઝે કુછ કહના હૈ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘હમ તુમ્હારે હૈ સનમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

આ પ્રખ્યાત ટીવી શૉનો પણ ભાગ હતાં

દર્શકોએ આશા શર્માને નાના પડદા પર પણ અનેક વખત જોયાં હતાં. તેમણે મન કી આવાઝ પ્રતિજ્ઞા, કુમકુમ ભાગ્ય જેવા ટીવી શૉમાં કામ કર્યું હતું. ક્યારેક તેમણે ટોચની સિરિયલોમાં માતા તો ક્યારેક દાદીની ભૂમિકા ભજવતી હતી. ટીકાકારો હોય કે તેના ચાહકો, દરેકને તેમનો કુદરતી અભિનય ગમતો હતો. અભિનેત્રીના જવાથી ઈન્ડસ્ટ્રીને ઊંડો આઘાત લાગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તે છેલ્લે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ `આદિપુરુષ`માં જોવા મળ્યાં હતાં. આશાએ શબરીની ભૂમિકા ભજવી હતી. સ્ક્રીન સ્પેસ ઘણી ઓછી હતી, પરંતુ તે દર્શકોના હૃદય પર છાપ છોડવા માટે પૂરતી હતી. તે જ સમયે, તે ટીવી પર `મન કી આવાઝ પ્રતિજ્ઞા` અને `કુમકુમ ભાગ્ય`માં જોવા મળી છે. આશાએ પોતાની 4 દાયકાની કારકિર્દીમાં લગભગ 40 ફિલ્મો અને ઘણા ટીવી શૉ કર્યાં છે. આશાએ સ્ટાર પરિવાર એવોર્ડ્સમાં ફેવરિટ એલ્ડરલી એવોર્ડ જીત્યો હતો. ચાહકો આશાને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

kumkum bhagya adipurush television news indian television news entertainment news