20 August, 2024 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૃષ્ણા અભિષેક
ગોવિંદાએ તેની બહેન પદ્મા શર્મા માટે માનતા માની હતી કે તેના ઘરે દીકરાનો જન્મ થાય. તેની આ માનતા ફળી અને કૃષ્ણા અભિષેકનો જન્મ થયો હતો. એથી કૃષ્ણા કહે છે કે મામાએ માનતા માની એટલે આજે હું અહીં ઊભો છું. કૃષ્ણા અભિષેકની મમ્મી પદ્માનું અવસાન કૅન્સરને કારણે થયું હતું. એ વખતે તેમની દીકરી આરતી માત્ર ૨૦ દિવસની હતી. પદ્માની ફ્રેન્ડ ગીતા સિંહે તેની દીકરીને દત્તક લીધી હતી. કૃષ્ણા અભિષેકની જવાબદારી ગોવિંદાએ ઉઠાવી હતી. એ બદલ કૃષ્ણા અભિષેક હંમેશાં તેના મામાનો આભાર માનતો આવ્યો છે. કૃષ્ણા અભિષેકે એક જૂનો વિડિયો શૅર કર્યો છે. એ સિરિયલ ‘જીના ઇસી કા નામ હૈ’નો છે, જેમાં સુરેશ ઑબેરૉય હોસ્ટ છે. ગોવિંદા અને કૃષ્ણા અભિષેક બન્ને ડાન્સ કરતાં શોમાં એન્ટ્રી લે છે. એ વખતે સુરેશ ઑબેરૉય સૌને માહિતી આપે છે કે ‘અપની બહન કે લિએ મન્નત માંગી થી ઇન્હોંને કિ અગર ઉન્હેં બેટા હોગા તો ઉસે અપને કંધે પે ઉઠાકર વૈષ્ણોદેવી લે કર જાઉંગા.’
એ દરમ્યાન કૃષ્ણા અભિષેક કહે છે, ‘મેરે લિએ મામાને મન્નત ના માંગી હોતી તો મૈં આજ યહાં ખડા હી નહીં હોતા.’
વૈષ્ણોદેવી માતાની માનતા માનેલી એ વિશે ગોવિંદા એ શોમાં કહે છે, ‘આના જન્મ પછી સૌકોઈ ખૂબ ખુશ થયા હતા. હું ૨-૩ વર્ષ કામમાં બિઝી હતો. એક દિવસ મને વિચાર આવ્યો કે માનતા તો લઈ લીધી, બહેનના ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો, હું જો વૈષ્ણોદેવી ન ગયો તો મને પાપ લાગશે. ત્યાં સુધી તો આ ૩-૪ વર્ષનો થઈ ગયો હતો. મેં જ્યારે તેને ખભા પર ચડાવ્યો અને સામે પહાડ જોયો તો હું ઠંડો પડી ગયો. એ જ વખતે એક ચમત્કાર થયો. અચાનક ત્યાં અનેક ભક્તો આવી ગયા હતા, જેમણે મને સપોર્ટ કર્યો હતો.’