04 October, 2024 09:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૬મી સીઝન ચાલી રહી છે. હોસ્ટ અમિતાભ બચ્ચન ઘણી વખત સ્પર્ધકો સાથે પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી વાતો શૅર કરતા હોય છે. તાજેતરના એક એપિસોડમાં ૮૧ વર્ષના મહાનાયકે ઇન્ટરકાસ્ટ રિલેશનશિપ વિશે વાત કરી. આ વાતચીત દરમ્યાન અભિનેતાએ કહ્યું હતું કે તેઓ પોતાને ‘હાફ સરદાર’ માને છે.
હૉટ સીટ પર આવેલી કન્ટેસ્ટન્ટ કીર્તિ સાથે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારા પિતા (હરિવંશરાય બચ્ચન) ઉત્તર પ્રદેશના હતા અને મારાં માતા તેજી બચ્ચન સિખ પરિવારનાં હતાં. તો મને લાગે છે કે હું અડધો સરદાર છું.’
બિગ બીએ પંજાબમાં રહેનારા તેમના સંબંધીનો એક કિસ્સો પણ શૅર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જ્યારે હું પેદા થયો ત્યારે મારી માસીએ કહ્યું હતું, ‘કિન્ના સોણા પુત્તર હૈ, સાડ્ડા અમિતાભ સિંહ!’
આ એપિસોડ દરમ્યાન સ્પર્ધક કીર્તિએ અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે તેઓ જયા બચ્ચનને ભેટમાં દાગીના આપે છે? અમિતાભ બચ્ચને જવાબ આપતાં કહ્યું હતું કે ‘આમ તો પર્સનલ સવાલ છે. પણ હા, હું આપું છું, પણ આશા રાખું છું કે ઇન્કમ-ટૅક્સવાળાઓમાંથી કોઈ આ એપિસોડ નહીં જુએ.’