16 December, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપિલ શર્મા
ફિલ્મી કલાકારો અને મનોરંજનની દુનિયા સાથે જોડાયેલા લોકો માટે સોશ્યલ મીડિયાથી દૂર રહેવું સંભવ નથી, કારણ કે એના દ્વારા જ તેઓ પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. જોકે કપિલ શર્માને હવે સોશ્યલ મીડિયાના અતિરેકનાં માઠાં પરિણામો વિશે જ્ઞાન લાધ્યું છે. કપિલ કહે છે, ‘આપણે સોશ્યલ મીડિયામાં ખૂબ ખૂંપેલા છીએ. આપણને એ જાણવામાં રસ છે કે અમેરિકાએ યુક્રેનને શું કહ્યું, આપણને એ નથી ખબર કે બાજુની રૂમમાં પપ્પા બાથરૂમમાં પડી ગયા છે.’
સોશ્યલ મીડિયા પર ખૂબબધો સમય વિતાવીને આપણે લોકોને આપણી દુનિયામાં પ્રવેશવાની તક આપી બેસીએ છીએ એમ જણાવતાં કપિલ કહે છે, ‘મને લાગે છે કે આપણે સોશ્યલ મીડિયાનો ઉપયોગ એકદમ ઓછો કરી નાખવો જોઈએ. હું છેલ્લા થોડાક મહિનાથી આવું કરી રહ્યો છું. મેં સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ્સ પર મારો સમય મર્યાદિત કરી નાખ્યો છે. હું જાણું છું કે સોશ્યલ મીડિયા પર સમય વિતાવવાનાં લોકોનાં ઘણાં કારણો હોઈ શકે છે, આપણા બધાના જીવનમાં એકસરખા સંજોગો નથી હોતા. જોકે એક વાત ન ભૂલવી જોઈએ કે દરેક નવા દિવસ સાથે નવી શરૂઆત કરી શકાય છે.’