25 September, 2023 04:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC)માં તેમની ભૂમિકા માટે જાણીતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry)એ નિર્માતા અસિત કુમાર મોદી (Asit Kumarr Modi) પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો અને તેની અને અન્ય બે લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેનિફરે આ મામલાની આસપાસની નકારાત્મક ટિપ્પણીઓને સંબોધવા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે, જે શરૂઆતથી જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ હતાં, તેમણે નિર્માતાઓ સાથેના વિવાદ પછી લોકપ્રિય સિટકોમ છોડી દીધી હતી. અભિનેત્રીએ પ્રોડ્યુસર પર કામના સ્થળે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે નિર્માતા અસિત કુમાર મોદી, જતીન શાહ અને સોહિલ રામાણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઘણા લોકો અભિનેત્રીના સમર્થનમાં બહાર આવ્યા છે અને તેણીએ પગલું ભર્યા પછી તેના બહાદુર વલણને બિરદાવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક એવા લોકો પણ છે, જેઓ ઘણીવાર સમગ્ર મામલાને લઈને નકારાત્મક ટિપ્પણીઓ કરે છે.
જેનિફરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નફરત ફેલાવનારાઓને જવાબ આપવા માટે એક પોસ્ટ શેર કરી છે અને જાતીય સતામણી સામે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે વીડિયો સાથે એક મજબૂત કેપ્શન શેર કર્યું અને નેટિઝન્સને વિનંતી કરી કે આવી બાબતો સામે અવાજ ઉઠાવતી મહિલાઓને ન્યાય મળે તેની ખાતરી કરવી જોઈએ. જેનિર મિસ્ત્રીએ લખ્યું કે, “યૌન ઉત્પીડન... પહેલાં તેનો અર્થ ગૂગલ કરો અને પછી કોઈપણને જજ કરો... કોઈ કેટલી હિંમત ભેગી કરે છે જાતીય સતામણી વિરુદ્ધ બોલવા માટે તે તમે વિચારી પણ શકતા નથી, જો સમર્થન ન આપવું હોય તો, ઓછામાં ઓછું જજ ન કરો.”
એક અગ્રણી વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં જેનિફરે નિર્માતાઓ પર સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો. જેનિફરે થોડા મહિના પહેલાં અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા બાદ શૉમાંથી બહાર નીકળી ગઈ હતી.
તેણીએ શેર કર્યું કે તે હવે સાક્ષીઓને કેવી રીતે પ્રભાવિત કરી રહ્યા છે. જેનિફરે કહ્યું હતું કે, “ગુરુચરણ મારા કેસના સાક્ષીઓમાંનો એક છે. મને 9 જૂને તેના તરફથી ફોન આવ્યો હતો અને મને મળવા આવવાનું કહ્યું હતું. મે મહિનામાં, તેણે મને ખાતરી આપી હતી કે તે કોર્ટમાં મારા માટે સાક્ષી બનશે. તેણે મને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે મીડિયામાં ટિપ્પણી નહીં કરે, પરંતુ મને સમર્થન આપવા માટે કોર્ટમાં આવશે. જોકે, જ્યારે હું તેને મળવા ગઈ ત્યારે તેણે મને કહ્યું કે તેને 8 જૂને ઑફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને તેના તમામ બાકી લેણાં ક્લિયર થઈ ગયા હતા. મને સમજાયું કે તે મારી તરફેણમાં બોલશે નહીં, પરંતુ તેણે મને કહ્યું કે તે અસિત મોદી અને મારી વચ્ચે એક તટસ્થ વ્યક્તિ બની શકે છે જે અમને એકબીજા સાથે બેસીને ચર્ચા કરવા માટે લાવી શકે છે.”
જેનિફર મિસ્ત્રી બંસીવાલની ભૂતપૂર્વ કૉ-સ્ટાર્સ જેમ કે મોનિકા ભદોરિયા, પ્રિયા આહુજા રાજદા તેના સમર્થનમાં બહાર આવ્યાં હતાં. તેમણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર જ્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું તે સમયનો પોતાના અનુભવો પણ શેર કર્યો હતો. જોકે, તેમણે જાતીય સતામણીના કેસની કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો. પ્રિયાના પતિ અને દિગ્દર્શક માલવ રાજડાએ પણ જેનિફરને નિર્માતાઓની વિરુદ્ધમાં સમર્થન આપ્યું હતું જ્યાં નિર્માતાઓએ જેનિફરને અનુશાસનહીન ગણાવી હતી.