05 March, 2024 06:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વૈભવ ગુપ્તા
કાનપુરના વૈભવ ગુપ્તાએ પેરન્ટ્સની ઇચ્છા પૂરી કરી
કાનપુરમાં રહેતો વૈભવ ગુપ્તા ‘ઇન્ડિયન આઇડલ 14’નો વિનર બન્યો છે અને તેણે સલમાન ખાન, રણવીર સિંહ અને વિકી કૌશલ માટે અવાજ આપવો છે. તેને પચીસ લાખ રૂપિયાનો ચેક અને એક બ્રેઝા કાર આપવામાં આવી છે. આ શોને વિશાલ દાદલાણી, કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલ જજ કરી રહ્યાં હતાં. આ વિશે વાત કરતાં વૈભવે કહ્યું કે ‘મારા માટે આ સપનોં કા આઇડલ છે. મને ખુશી છે કે મેં મારા પેરન્ટ્સનું સપનું પૂરું કર્યું છે. શ્રેયા મૅડમે મને કહ્યું કે નર્વસ હોવું એ પણ પર્ફોર્મરનો એક મહત્ત્વનો પાર્ટ છે. જો નર્વસ નહીં હોય તો સારી રીતે પર્ફોર્મ નહીં કરી શકાય. થોડો ડર હોવો જરૂરી છે. તેઓ પોતે પણ જ્યારે સ્ટેજ પર જાય છે ત્યારે થોડો ડર તેમને પણ લાગે છે. વિશાલ સરે મને હંમેશાં મ્યુઝિકમાં રહેવા કહ્યું અને કુમાર સાનુ સરે મને ક્લાસિકલ મ્યુઝિકની પ્રૅક્ટિસ ચાલુ રાખવાની સલાહ આપી છે. હું તેમની આ સલાહનું અનુકરણ કરીશ અને ત્યાર બાદ બૉલીવુડમાં એન્ટર થઈશ. સલમાન ખાન, વિકી કૌશલ અને રણવીર સિંહ માટે અવાજ આપવો મારું સપનું છે.’
શિવભક્ત હોવા વિશે વૈભવે કહ્યું કે ‘હું કાનપુરમાં ભગવાન શિવ માટે સેવા કરતો હતો. શિવરાત્રિ દરમ્યાન હું દસ કલાક પૂજા કરતો હતો. હું તેમના આશીર્વાદને કારણે આ ટાઇટલ જીત્યો છું.’