02 March, 2023 01:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂર હાલમાં જ ‘ઇન્ડિયન આઇડલ 13’ના સેટ પર ઇમોશનલ થતો જોવા મળ્યો હતો. આ શોમાં સ્પર્ધક શિવમ સિંહે ‘તૂ કોઈ ઔર હૈ’ અને ‘જીના યહાં મરના યહાં’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. આ ગીત વિશે વાત કરતાં રણબીરે કહ્યું કે ‘હું ઇમોશનલ વ્યક્તિ નથી, પરંતુ શિવમના પર્ફોર્મન્સે મને ઇમોશનલ બનાવી દીધો હતો. ‘તૂ કોઈ ઔર હૈ’ મારી ફિલ્મ ‘તમાશા’નું ગીત છે અને આ ગીત પસંદ કરવા માટે હું શિવમની હિમ્મતની દાદ આપીશ. મારી કરીઅરનું આ ગીત મારાં ફેવરિટ ગીતમાંનું એક છે. ‘જીના યહાં મરના યહાં’ દરેક આર્ટિસ્ટની ફિલોસૉફી છે. ફિલ્મો જ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં લોકોની આ જ ફિલોસૉફી હોય છે. આ ગીત દ્વારા મિસ્ટર રાજ કપૂરે આપણા માટે ખૂબ જ ગજબની શીખ છોડી હતી. જોકે ગજબની વાત એ છે કે ‘તમાશા’ અને ‘મેરા નામ જોકર’ બન્ને ફિલ્મો બૉક્સ-ઑફિસ પર સારી નહોતી રહી. ‘તમાશા’ એક એવી ફિલ્મ હતી જેણે લોકોને તેમની રેગ્યુલર જૉબ છોડીને તેમનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપી હતી. ‘મેરા નામ જોકર’ ફિલ્મની વાત પણ ઘણી જગ્યાએ થાય છે. હું હાલમાં જ ન્યુ યૉર્ક ફિલ્મ સ્કૂલમાં ગયો હતો જ્યાં મેં લોકોને આ ફિલ્મ પર ગહન ચર્ચા કરતાં જોયા હતા.’