24 April, 2023 04:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલમા હુસેન
‘સપનોં કી છલાંગ’માં જોવા મળતી અલમા હુસેનનું માનવું છે કે અલગ-અલગ પાત્રો ભજવીને એક ઍક્ટર તરીકે તેનો વિકાસ થશે. આ સિરિયલ સોની પર સોમવારથી શુક્રવાર દરમ્યાન રાતે સાડાનવ વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. એમાં તે પ્રીતિ ધીંગરાના રોલમાં જોવા મળી રહી છે. શો પ્રત્યે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં અલમાએ કહ્યું કે ‘સોની ચૅનલ પર પાછું ફરવું એ મારા માટે ઘરે પાછા ફરવા જેવું છે. મેં મારી કરીઅરની શરૂઆત અહીંથી કરી હોવાથી એ મારા દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. આ ચૅનલ હંમેશાં પ્રેરણાદાયી સ્ટોરી અને લોકોને કનેક્ટ થાય એવાં પાત્રો લઈને આવે છે. ‘સપનોં કી છલાંગ’ મહત્ત્વાકાંક્ષી યુવતીઓની સ્ટોરીને સાકાર કરે છે જે પોતાનાં સપનાં પૂરાં કરવાનું સાહસ કરે છે અને દૃઢ વિશ્વાસના આધારે પોતાનો ટાર્ગેટ પૂરો કરે છે. એક ઍક્ટર તરીકે હું અલગ-અલગ પાત્રો ભજવીને મારો વિકાસ કરી શકીશ. એક એવું પાત્ર ભજવવું જે મારા જેવું નથી એ વાતે જ મને ખૂબ ઉત્સુક કરી હતી. મારું પાત્ર પ્રીતિ પંજાબનું છે. તે આશાવાદી વ્યક્તિ છે અને તેના ચહેરા પર હંમેશાં સ્માઇલ હોય છે, અન્ય લોકોની તે કાળજી લે છે અને તેની ઇચ્છા હોય છે કે દરેક તેનાથી ખુશ રહે. પ્રીતિનું એક સીક્રેટ પણ છે જે તેણે સૌથી છુપાવીને રાખ્યું છે. પ્રીતિનું પાત્ર મારા માટે પડકારજનક છે, કેમ કે મારે લાઇફ પ્રત્યેનો તેનો દૃષ્ટિકોણ સમજવાનો હોય છે, જેથી એને સારી રીતે ભજવી શકું. મારા રોલને લઈને ફૅન્સના શું રીઍક્શન્સ છે એ જાણવા માટે પણ હું ઉત્સુક હોઉં છું.’