08 June, 2024 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિના ખાન
હિના ખાને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ દ્વારા ૨૦૦૯માં ઍક્ટિંગની શરૂઆત કરી હતી. અક્ષરાનો રોલ ભજવીને તે ખૂબ ફેમસ થઈ હતી. તેણે ૨૦૧૬માં આ શો છોડી દીધો હતો. એનું કારણ એ છે કે તે સિરિયલની સ્ક્રિપ્ટમાં દખલ કરતી હતી. એને કારણે તેનો કૉન્ટ્રૅક્ટ પણ પૂરો કરવામાં આવ્યો હતો. આ શોના મેકર રાજન શાહી સાથે તેનો વિવાદ થયો હતો. શો છોડવાનાં આઠ વર્ષ બાદ હિના કહે છે, ‘શોના મેકર્સ પ્રત્યે મને આદર છે અને તેમને શુભેચ્છા આપું છું. શો દરમ્યાન જે કાંઈ થયું હું એના વિશે ચર્ચા નથી કરવા માગતી. શોના મેકર્સે મને પહેલો બ્રેક આપ્યો. મને તેમના પ્રત્યે માન છે. મને આજે પણ યાદ છે મેં જ્યારે આ શો છોડ્યો તો મારા ડૅડી દુખી થયા હતા. મેં ઘણાં વર્ષો સુધી આ શોમાં કામ કર્યું, પરંતુ એને સારી રીતે છોડ્યો નહોતો. એવું નથી કે અમે એકબીજાની સાથે નજર નહીં મિલાવીએ. સમય તમામ ઘા ભરી દે છે. મને હવે કોઈ વાંધો નથી.’
શો છોડ્યા બાદ તેના પિતાએ તેને પ્રૉમિસ આપવા કહ્યું હતું. એ વિશે હિના કહે છે, ‘મને આજે પણ યાદ છે મેં શો છોડ્યો તો મારા ડૅડી નારાજ થયા હતા. તેમણે મારી પાસે વચન માગતાં કહ્યું, ‘મને વચન આપ કે આ શોના લોકો વિશે તું કદી પણ ઘસાતું નહીં બોલે.’ તેમની આ વાત પર હું આજે પણ કાયમ છું. તેઓ આજે હયાત નથી, પરંતુ હું તેમનું વચન કદી તોડીશ નહીં. હું કાંઈ નહીં બોલું.’