12 December, 2022 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કામના પાઠક અને સંદીપ શ્રીધર
એન્ડ ટીવી પર આવતી પારિવારિક કૉમેડી સિરિયલ ‘હપ્પૂ કી ઉલટન પલટન’માં રાજેશ એટલે કે રજ્જોના રોલમાં દેખાતી કામના પાઠકે તેના બૉયફ્રેન્ડ સંદીપ શ્રીધર સાથે સાત ફેરા લઈ લીધા છે. નાગપુરમાં યોજવામાં આવેલાં આ લગ્નમાં નજીકના પરિવાર અને ફ્રેન્ડ્સે હાજરી આપી હતી.
લગ્ન બાદ કામના પાઠકે કહ્યું કે ‘આખરે હું પરણી ગઈ છું અને એ પણ વિધિસર. મારી આસપાસનાં લોકો હંમેશાં એ વાતને લઈને ઉત્સુક હતા કે મારી લાઇફમાં કોણ પુરુષ છે અને હું ક્યારે પરણીશ. આ એક એવો સવાલ હતો જે મને દરેક બાબતમાં સામેલ કરતો હતો. એથી મેં કોથળામાંથી બિલાડું બહાર કાઢ્યું છે. મેં નજીકના ફ્રેન્ડ્સ અને પરિવારજનોની હાજરીમાં નાગપુરમાં લગ્ન કર્યાં છે. લગ્નપ્રસંગ ચાર દિવસ ચાલ્યો હતો. સગાઈ સાથે ઉજવણી શરૂ થઈ હતી. અદ્દલ મરાઠી સ્ટાઇલમાં લગ્ન થયાં હતાં. મરાઠી લગ્નોની વિધિ ખૂબ સાદી છે અને ઝડપથી પતી જાય છે. મેં ઝીણી બૉર્ડર સાથેની સિલ્કની સાડી પહેરી હતી. માથા પર મુંડવલ્યા સાથે સુંદર અને અજોડ મહારાષ્ટ્રિયન સ્ટાઇલની સાડી પહેરી હતી. સાથે જ લગ્ન અગાઉ મરાઠી વિધિ કેળવણનું પણ આયોજન કર્યું હતું.
હલદી, મેંદી, સંગીત અને ફેરા સહિતની પરંપરાઓ આ નારંગીના શહેરમાં યોજાઈ હતી. ત્યાર બાદ ઇન્દોરમાં મારા વતનમાં ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. મને નવવધૂના પોષાકમાં જોઈને મારા પેરન્ટ્સની આંખોમાં આંસુ આવી ગયાં હતાં અને હું પણ ઇમોશનલ થઈ હતી. મને સપના જેવો એહસાસ થયો હતો, પરંતુ એ વાસ્તવિક અને ચમત્કારિક હતું.’