બાવીસ એપ્રિલે મુંબઈ જવા નીકળેલો સોઢી ૨૪ એપ્રિલ સુધી દિલ્હીમાં જ હતો

29 April, 2024 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હીના ઘરથી ત્રણ કિલોમીટરની અંદર મોબાઇલનું છેલ્લું લોકેશન મળ્યું : લગ્ન કરવાનો હતો અને આર્થિક મુશ્કેલીમાં હોવાનું પણ પોલીસની તપાસમાં જણાયું: ૭ દિવસથી ગાયબ હોવાથી પોલીસે ​મિસિંગની સાથે અપહરણનો કેસ પણ નોંધ્યો

ગાયબ થયાના બે દિવસ બાદ CCTV કૅમેરાનાં ફુટેજમાં દિલ્હીના પાલમ વિસ્તારમાં બૅગપૅક સાથે ગુરુચરણ સિંહ દેખાયો હતો.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીના પાત્રમાં જોવા મળેલો અભિનેતા ગુરુચરણ ‌સિંહ ગાયબ થયો છે અેને સાત દિવસ થઈ ગયા છે. દિલ્હીથી મુંબઈ આવવા માટે ઘરેથી નીકળ્યા બાદ તેનો પત્તો ન લાગતાં તેના પિતાએ સાઉથ દિલ્હી પોલીસ-સ્ટેશનમાં ​મિસિંગની ફરિયાદ નોંધાવી છે. પોલીસની તપાસમાં જણાઈ આવ્યું છે કે બાવીસ એપ્રિલે પાલમ વિસ્તારમાં આવેલા ઘરેથી નીકળેલા ગુરુચરણ સિંહનો મોબાઇલ તેના ઘરથી ત્રણ કિલોમીટરના અંતરે બે દિવસ બાદ એટલે કે ૨૪ એપ્રિલે બંધ થયો હતો. પાલમ વિસ્તારના ક્લોઝ્‍ડ સ​ર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં તે બૅગપૅક સાથે જતો જોવા મળ્યો છે. આ જ દિવસે તેણે બૅન્કના ઑટોમેટેડ ટેલર મશીન (ATM)માંથી ૭૦૦૦ રૂપિયા કાઢ્યા હતા. તે લગ્ન કરવાનો હતો અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવાનું પોલીસે અભિનેતાના નજીકના લોકોની કરેલી પૂછપરછમાં જણાઈ આવ્યું છે. સાત દિવસથી ગુરુચરણ સિંહનો પત્તો નથી લાગતો એટલે પોલીસે હવે ​મિસિંગની સાથે અપહરણનો મામલો પણ નોંધ્યો છે.

સાઉથ દિલ્હી પોલીસના ડેપ્યુટી પોલીસ-કમિશનર રોહિત મીનાએ કહ્યું હતું કે ‘અભિનેતા ગુરુચરણ સિંહનો ​મિસિંગ થવાના સાત દિવસ થઈ ગયા બાદ પણ પત્તો નથી લાગ્યો એટલે અમે અપહરણનો મામલો પણ નોંધીને તપાસ શરૂ કરી છે. CCTV કૅમેરાનાં ફુટેજમાં તે ૨૪ એપ્રિલ સુધી તેનું જ્યાં ઘર આવેલું છે એ દિલ્હીના પાલમ વિસ્તારમાં જ હોવાનું જણાયું છે. અહીંથી જ તેણે એ જ દિવસે બૅન્કના ATMમાંથી રૂપિયા કાઢ્યા હતા. એ પછી તેનો કોઈ પત્તો નથી. આથી અભિનેતાને શોધવા માટે અમે પાંચ ટીમ બનાવી છે. વિવિધ ઍન્ગલથી તપાસ કરવાની સાથે તે છેલ્લે જ્યાં જોવા મળ્યો હતો એની આસપાસના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.’

સાથી કલાકારો શું કહે છે?

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં એક સમયે સોઢીની પત્ની રોશન દારૂવાલા-સોઢી તરીકે જોવા મળેલી અભિનેથી જેનિફર મિસ્ત્રી-બંસીવાલે કહ્યું હતું કે ‘હું ગુરુચરણને ગયા વર્ષે જૂન મહિનામાં મળી હતી. ત્યાર પછી મારી તેની સાથે વાત નથી થઈ. તે ખુશ​મિજાજ વ્યક્તિ છે અને તે ગાયબ થઈ ગયો હોવાનું જાણીને અમે બધા ચોંકી ગયા છીએ. તેના પિતા દિલ્હીમાં રહે છે અને તે મુંબઈ અને દિલ્હી વચ્ચે અવરજવર કરે છે.’

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં લેખક તારક મહેતાની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા-કમ-કવિ શૈલેશ લોઢાએ કહ્યું હતું કે ‘ગુરુચરણે ૨૦૨૦માં સિરિયલ છોડી હતી. એ પછી હું તેના સંપર્કમાં નથી. મને યાદ છે કે તે સેટ પર કાયમ મસ્તીમાં અને એનર્જીથી ભરપૂર રહેતો હતો. આવી વ્યક્તિ આમ ગાયબ થઈ જાય એ માનવામાં નથી આવતું.’

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ તુકારામ ભિડેની ભૂમિકા ભજવી રહેલા અભિનેતા મંદાર ચાંદવડકરે કહ્યું હતું કે ‘ગુરુચરણ સિંહ કાયમ દિલ્હી અને મુંબઈ વચ્ચે પ્રવાસ કરતો એટલે મુસાફરી કરવી તેના માટે નવી નથી. અભિનેતા દિલીપ જોશીના દીકરાના ગયા ડિસેમ્બર મહિનામાં લગ્ન થયાં ત્યારે હું છેલ્લી વખત ગુરુચરણને મળ્યો હતો. એ સમયે અમે સાથે ખૂબ સમય રહ્યા હતા. તેનું ગાયબ થઈ જવું મારા માટે ખરેખર હેરાન કરનારું છે.’

taarak mehta ka ooltah chashmah delhi police mumbai airport television news indian television