03 August, 2023 03:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગીતાંજલિ મિશ્રા
એન્ડ ટીવી પર આવતી સિરિયલ ‘હપ્પૂ કી ઉલટન પલટન’માં રાજેશ સિંહના રોલમાં ગીતાંજલિ મિશ્રા આવવાની છે અને એને લઈને તે ખૂબ ઉત્સુક પણ છે. આ કૉમેડી સિરિયલ ઘર-ઘરમાં જાણીતી છે. ગીતાંજલિ અગાઉ અનેક સિરિયલ અને વેબ-સિરીઝમાં જોવા મળી છે. આ સિરયલમાં કામ કરવાની તક મળવા વિશે ગીતાંજલિએ કહ્યું કે ‘હું અતિશય ખુશ છું કે મને દેશમાં સૌથી લોકપ્રિય એવો રાજેશનો રોલ કરવાની તક મળી છે. એક દર્શક તરીકે હું એ કૅરૅક્ટર માટે અને મનોરંજક સ્ટોરી માટે એ શો જોઉં છું. આ શો લોકોને મનોરંજન પૂરું પાડવાનું નહીં ચૂકે, હંમેશાં મનોરંજક અને એક્સાઇટિંગ વસ્તુ દર્શકો માટે લઈને આવે છે. મેં સપનામાં પણ કદી નહોતું વિચાર્યું કે મને આવો રોલ ભજવવા મળશે, જેને હું ટેલિવિઝન પર જોવાનું પસંદ કરું છું. મને જે ખુશી મળી છે એને વર્ણવી નથી શકતી. એમાં પણ સોનામાં સુગંધ ભળવા જેવી વાત તો એ છે કે મને અદ્ભુત પર્ફોર્મર્સ યોગેશ િત્રપાઠી, હિમાની શિવપુરી અને અન્ય પલટન સાથે સ્ક્રીન શૅર કરવા મળવાની છે. હું એન્ડ ટીવી, અમારા પ્રોડ્યુસર્સ સંજય અને બિનેફર કોહલીજીનો આભાર માનું છું કે તેમણે મારા પર ભરોસો રાખ્યો અને મને આ તક આપી. હું પોતાને અતિશય નસીબદાર માનું છું. મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ પણ મારી જેમ ઉત્સાહી છે. તેઓ મને નવી રાજેશ તરીકે જોવા માટે આતુર છે.’