18 November, 2022 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સિદ્ધાંત ઇસ્સાર અને પુનીત ઇસ્સાર હિન્દી નાટક ‘જય શ્રી રામ રામાયણ’માં
આપણે બી.આર.ચોપરાની મહાભારતમાં જેને દુર્યોધન તરીકે જોયો છે તે અભિનેતા એટલે કે પુનિત ઇસ્સારને આપણે રામાયણના રાવણની ભૂમિકામાં જોઈ શકશું. હા, રવિવારે એટલે કે ૨૦ નવેમ્બરે સાંજે બાંદ્રાના સેન્ટ એન્ડ્રયુ ઑડિટોરિયમમાં ‘જય શ્રી રામ રામાયણ’ નામનું નાટક ભજવાશે જેમાં પિતા-પુત્ર પુનીત અને સિદ્ધાંત ઇસ્સાર રામ અને રાવણની ભૂમિકા ભજવશે.
ઐતિહાસિક હિન્દી નાટક ‘જય શ્રી રામ રામાયણ’માં `જય શ્રી રામ રામાયણ` પુનીત ઇસ્સાર, સિદ્ધાંત ઇસ્સાર, વિંધુ દારા સિંઘ, યશોધન રાણા અને સમીક્ષા ભટનાગર છે. આ નાટક પિતા અને પુત્રની જોડી પુનીત અને સિદ્ધાંત ઇસ્સાર દ્વારા લખાયેલ અને નિર્દેશિત છે. આખું નાટક ભગવાન શ્રી રામના દ્રષ્ટિકોણથી દર્શાવવામાં આવ્યું છે. ‘રામાયણ’ની આખી વાર્તા બાર ઓરિજિનલ ટ્રેક્સ, લાઇવ એક્શન અને ડાન્સ સાથે ત્રણ કલાકના સંક્ષિપ્ત સ્વરૂપમાં રજુ કરવામાં આવશે. પિતા-પુત્રની જોડી પુનીત ઇસ્સાર અને સિદ્ધાંત ઇસ્સાર રામ અને રાવણનું પાત્ર ભજવી રહ્યા છે. આ નાટક સંપૂર્ણ રામાયણને વધુ તીવ્ર સંવાદો, સ્પેશિયલ ઇફેક્ટ્સ, સમૃદ્ધ સેટ અને કોસ્ચ્યુમ સાથે રજુ કરવામાં આવશે.
આ નાટકના પાત્ર વિશે વાત કરતા પુનીત ઇસ્સાર કહે છે, ‘મેં રીલ અને રિયલમાં રાવણ અને દુર્યોધનની ભૂમિકાઓ ભજવી હતી. મારી યાત્રાએ તમામ વિવિધ માર્ગો અને તેમની આધ્યાત્મિક યાત્રા દર્શાવી છે. તે એક ભવ્ય અનુભવ હતો. આખું નાટક મેં અને સિદ્ધાંતે લખ્યું છે અને અમે બંનેએ તેનું નિર્દેશન કર્યું છે. આ એક અલગ અનુભવ હશે જ્યાં અમે એકબીજાની સામે રામ અને રાવણની ભૂમિકા ભજવીશું. આ નાટકનો ઉદ્દેશ્ય આજના સમાજમાં ‘રામ રાજ્ય’ના મહત્વને ઉજાગર કરવાનો છે. અમે ભગવાન શ્રી રામના મૂલ્યો અને સિદ્ધાંતોને પ્રદર્શિત કર્યા છે.’
અભિનેતા અને દિગ્દર્શક સિદ્ધાંત ઇસ્સાર જણાવે છે કે, ‘આ નાટક રામાયણના તમામ તથ્યો અને સત્યોને રજૂ કરે છે અને તે પણ તેના સૌથી સાચા અને શુદ્ધ સ્વરૂપમાં. નાટક દ્વારા અમે સ્થાનિક યુવાનોને તેમની સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, ધર્મ, મૂલ્યો અને માન્યતાઓ વિશે પણ જાગૃત કરવા માંગીએ છીએ.’
અભિનેતા વિંધુ દારા સિંહ કહે છે કે, ‘હનુમાનજીએ મારા પરિવારને આશીર્વાદ આપ્યા છે. અમે પહેલવાન છીએ. આપણે બજરંગ બલિની પૂજા કરીએ છીએ. મારા પિતા, મહાન દારા સિંહે હનુમાનજીની ભૂમિકા ભજવી, આ ભૂમિકાને અમર કરી દીધી. મેં પણ મારા જીવનમાં ૪૦ વર્ષથી વધુ સમયથી હનુમાનજીની ભૂમિકા ભજવી છે અને ૫૦થી વધુ વખત ટીવી, રામ લીલાઓ, પ્રાદેશિક ફિલ્મો અને હવે આ ભવ્ય નાટક `જય શ્રી રામ રામાયણ. પુનીત અને સિદ્ધાંતે પાત્ર માટે જે અર્થઘટન કર્યું છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. તે પહેલા ક્યારેય ન જોયેલા પાવરપેક હનુમાન જેવું હશે.’
નાટક ‘જય શ્રી રામ રામાયણ’ બાંદ્રાના સેન્ટ એન્ડ્રયુ ઑડિટોરિયમમાં રવિવારે એટલે કે ૨૦ નવેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યે ભજવાશે.