ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

04 April, 2025 07:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ પ્રમાણે લોકપ્રિય સિરિયલ ફરીથી આવી રહી છે, પણ એના એપિસોડ્સ મર્યાદિત હશે

ઓરિજિનલ તુલસી-મિહિર ફરી જોવા મળશે ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થીમાં

એકતા કપૂરને ઇન્ડિયન ટીવીની ક્વીન કહેવામાં આવે છે. તેણે એવી અનેક સિરિયલ્સ બનાવી છે જે હિટ સાબિત થઈ છે. આ સિરિયલ્સની યાદીમાં સૌથી વધારે લોકપ્રિયતા મેળવનાર સિરિયલ્સમાં ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ અને ‘કહાની ઘર ઘર કી’નો સમાવેશ થાય છે. આ સિરિયલ્સમાં એવા ટ્વિસ્ટ હતા જેના કારણે લોકોને એમાં બહુ રસ પડતો હતો અને વર્ષો સુધી લોકપ્રિયતાના ચાર્ટમાં નંબર વન પર રહી હતી. હવે મળતી માહિતી પ્રમાણે એકતા કપૂર ફરીથી ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ લઈને આવી રહી છે અને ખાસ વાત તો એ છે કે આ નવી સીઝનમાં પણ મૂળ સિરિયલનાં સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય જેવાં કલાકારો જોવા મળશે.

‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ સિરિયલ ૨૦૦૦થી ૨૦૦૮ સુધી ચાલી હતી અને એમાં સ્મૃતિ ઈરાની તુલસીનો રોલ ભજવીને છવાઈ ગઈ હતી. આ શો આઠ વર્ષ સુધી ચાલ્યો હતો અને એનો ક્લાઇમૅક્સ ૨૦૦૮ના નવેમ્બરમાં ઑન ઍર થયો હતો.

રિપોર્ટ પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી’ ફરીથી આવી રહી છે, પણ એના એપિસોડ્સ મર્યાદિત હશે. એકતા અને એની ટીમ આ વાતને સીક્રેટ રાખવા ઇચ્છે છે. વળી ભૂતપૂર્વ મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની હવે તુલસી વીરાણીના રોલ માટે આકરી મહેનત કરી રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે આ સિરિયલમાં સ્મૃતિ ઈરાની સાથે મિહિરના રોલમાં તેમનો ઓરિજનલ સહકલાકાર અમર ઉપાધ્યાય જોવા મળશે. વળી આ નવી સિરીઝનું શૂટિંગ એ જ લોકેશન પર કરવામાં આવશે જ્યાં ઓરિજનલ સિરીઝનું શૂટિંગ થયું હતું.

ekta kapoor kyunki saas bhi kabhi bahu thi smriti irani television news indian television star plus balaji telefilms entertainment news