27 September, 2020 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. ગયા ગુરૂવારે જ તારક મહેતાની ટીમે 3000 એપિસોડ પૂર્ણ થવા પર પાર્ટીનું આયોજન કર્યું હતું અને એવી કામના કરી હતી કે આવી જ રીતે શૉ 5000 એપિસોડ પણ પાર કરી લે.
તારક મહેતા શૉએ દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર નથી છોડી. તેમ જ શૉમાં દયા બેનની ભૂમિકા ભજવનારી એક્ટ્રેસ દિશા વાકાણી (Disha Vakani) છેલ્લા કેટલાક સમયથી આ શૉમાં જોવા મળી નથી. ચાહકો આતુરતાથી દિશા વાકાણીની પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે ફૅન્સની આ રાહ ટૂંક સમયમાં પૂરી થઈ શકે છે, કારણકે એવા સમાચાર આવી રહ્યા છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વાર દયા બેનની હસી આખી ગોકુલધામ સોસાયટીમાં ગૂંજવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આવતા મહિને અથવા તો નવેમ્બરથી દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું શૂટિંગ શરૂ કરશે. જોકે થોડા સમય પહેલા એવા સમાચાર પણ મળ્યા હતા કે આ શૉના મેકર્સ દિશાને બદલે 'દયા બેન'ના પાત્ર માટે કોઈ નવી એક્ટ્રેસને શોધી રહ્યા છે.
આ પણ જુઓ : 'તારક મહેતા' શૉના 3000 એપિસોડ પૂરા થવાની ખુશીમાં ટીમે કરી જોરદાર પાર્ટી, જુઓ
તમને જણાવી દઈએ કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીની ભૂમિકા નિભાવનાર જેનિફર મિસ્ત્રી બંસીવાલે તાજેતરમાં દિશા વાકાણી વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે- હાલ દિશા પોતાના પરિવાર અને દીકરી સાથે સમય પસાર કરી રહી છે. હું દિશાને ઘણી મિસ કરી રહી છું. ફૅન્સ પણ દિશાને શૉમાં જોવા માટે રાહ જોઈ રહ્યા છે. કામ સાથે કુટુંબ પણ ખૂબ મહત્વનું છે. દિશા લગ્ન કરીને પોતાનો પરિવાર બનાવવા માંગતી હતી. તે આ સમયે પોતાના પરિવારથી ખૂબ ખુશ છે. તે તેની પુત્રીની સંભાળ રાખે છે પરંતુ તે જલ્દીથી શૉમાં પાછા આવશે, એવું મને લાગે છે.